ચર્ની રોડનો બ્રિજ તોડી પડાશે

ચર્ની રોડનો બ્રિજ તોડી પડાશે
મુંબઈ, તા. 23 : બ્રિટિશરાજ વેળાના પાંચ પુલનો વિધ્વંસ કરી નવા બાંધવાની યોજના પશ્ચિમ રેલવેએ ઘડી કાઢી છે. જેમાં ચર્ની રોડ પાસે ફ્રેરી રોડના પુલથી તેની શરૂઆત કરાશે  અને આ પાંચેય પુલ ફરી બાંધવા એક સલાહકારની નિમણૂક કરવામાં આવશે.
અંધેરીના ગોખલે બ્રિજનો હિસ્સો તૂટી પડવાની ઘટનાએ અને બીજો લોઅર પરેલ નજીકનો બ્રિજ કે જેનું નિરીક્ષણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ અૉફ ટેક્નોલૉજી (આઈઆઈટી)એ કરી તે અસલામત હોવાનું જણાવતાં સત્તાવાળાઓ સજાગ બન્યા છે. ગયા જુલાઈમાં કેન્દ્રના રેલવેપ્રધાન પીયૂષ ગોયલે મુંબઈનાં પરાંમાંના 445 બ્રિજના ``સેફ્ટી અૉડિટ'' માટેનો ઓર્ડર આપ્યો હતો.
પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન અૉફિસર રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે તિલક બ્રિજ (દાદર), એલ્ફિન્સ્ટન રોડ બ્રિજ (પ્રભાદેવી), મહાલક્ષ્મી અને મુંબઈ સેન્ટ્રલ બ્રિજ તેમ જ ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ વચ્ચેનો ફ્રેરી રોડ બ્રિજનાં નિરીક્ષણ - સલાહસૂચનો માટે સલાહકાર નીમવા અંગેનો નિર્ણય લઈ લેવા તાકીદ કરાઈ છે. ફ્રેરી રોડ પછી પશ્ચિમ રેલવે તિલક બ્રિજ અથવા પ્રભાદેવી બ્રિજ તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે.
સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આ પુલોનું અનેકવાર રિપેરિંગ કામ હાથ ધરાયું હતું છતાં તેની સ્થિતિ અસંતોષકારક જણાતાં તે પુલોની પુન:બાંધણી અનિવાર્ય થઇ છે. જેથી મોટરિસ્ટો અને પરાંની ટ્રેનોની સેવાઓ સુરક્ષિત બની રહે.
તેમણે વધુમાં કહ્યું હતું કે બધા જ બ્રિજની રિપેરિંગ કામગીરી એક સાથે હાથ નહીં ધરાય કારણ કે આમ થાય તો માર્ગો પર અસ્તવ્યસ્તતા ઊભી થશે.

Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer