આઈપીએલમાં 5000 રન કરનારો પહેલો ખેલાડી રૈના

આઈપીએલમાં 5000 રન કરનારો પહેલો ખેલાડી રૈના
ચૈન્નઈ, તા. 24 : ચૈન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલની 12મી સિઝનમાં વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી લીધી છે. સિઝનના પહેલા મેચમાં રૈના આરસીબી સામે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે 15 રન કરતાની સાથે આઈપીએલના 5000 રનના ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી. આ ટી20 લીગમાં 5000 રન કરનારો રૈના પહેલો બેટ્સમેન બની ગયો છે. આઈપીએલની 177મી મેચમાં રૈનાએ આ સિદ્ધિ મેળવી છે. હવે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી 5000ના ક્લબમાં સામેલ થનારો બીજો બેટ્સમેન બની શકે છે. વિરાટ આ ઉપલબ્ધીથી માત્ર 46 રન પાછળ છે. 
સુરેશ રૈના આઈપીએલના પહેલા મેચમાં સીએસકે તરફથી ત્રીજા ક્રમાંકે બેટિંગમાં આવ્યો હતો અને ઈનિંગના 19મા બોલમાં એક રન લેતાની સાથે જ આઈપીએલના 5000 રન પુરા કર્યા હતા. જો કે રૈના બે બોલ બાદ મોઈન અલીની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. મેચમાં રૈનાએ માત્ર 19 રન જ કર્યા હતા. પરંતુ આ 19 રન જ 5000 રનના ક્લબમાં સામેલ થવા માટે પુરતા હતા. આઈપીએલમાં સુરેશ રૈનાનો રેકોર્ડ  ખુબ સારો છે. લીગમાં સૌથી વધુ રન બનાવવા ઉપરાંત સૌથી વધુ અર્ધસદી ફટકારવામાં રૈના બીજા ક્રમાંકે છે. રૈનાએ આઈપીએલમાં કુલ 35 અર્ધસદી ફટકારી છે. 
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer