ઘરઆંગણે હાર સાથે મુંબઈએ કરી આઈપીએલની શરૂઆત

ઘરઆંગણે હાર સાથે મુંબઈએ કરી આઈપીએલની શરૂઆત
યુવરાજ સિંહની અડધી સદી છતાં યજમાન ટીમનો પનો 37 રનથી ટૂંકો પડ્યો 

આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 24 : 214 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં મુંબઈએ જોરદાર શરૂઆત કરી હતી પણ એક ઊંચો ફટકો મારવાના પ્રયાસમાં દાવની ચોથી અૉવરમાં સુકાની રોહિત શર્મા ઈશાંત શર્માની બાલિંગમાં રાહુલ તેવટિયાને કૅચ આપી બેઠો હતો. રોહિતે 13 બૉલમાં 14 રન કર્યા હતા. એ પછી દાવની છઠ્ઠી અૉવરમાં મુંબઈને વધુ બે ઝટકા લાગ્યા હતા. પહેલા સૂર્યકુમાર યાદવને શ્રેયસ ઐય્યરે રન આઉટ કર્યો હતો તો ફાંકડી ફટકાબાજી કરી રહેલો ડીકોક એ પછી બૉલ્ટના હાથમાં ઝીલાઈ ગયો હતો, 16 બૉલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે તેણે 27 રન કર્ચા હતા. ત્યાર બાદ યુવરાજ સિંહ અને કિરોન પૉલાર્ડ જેવા એક કાળના મૅચવિનર્સ પીચ પર એકઠા થયા હતા. બંનેએ આક્રમક રમત દાખવી હતી, પણ તાતિંગ ટાર્ગેટ સુધી પહોંચવા માટેના રન રેટ સાથે તાલ મીલાવવાના પ્રયાસમાં પૉલાર્ડ કીમો પૉલની બાલિંગમાં તેવટિયાને કૅચ આપી બેઠો હતો. યુવરાજ-પૉલાર્ડે 30 બૉલમાં 50 રનના ભાગીદારી નોંધાવી હતી. પૉલાર્ડે 13 બૉલમાં 21 રન કર્યા હતા. એ પછી તરત જ હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલને વળતો કૅચ આપ્યો હતો અને મુંબઈની અડધી ટીમ 95 રનમાં જ પૅવેલિયન ભેગી થઈ ગઈ હતી. જો કે, એ પછી કૃણાલ પંડ્યાએ આક્રમક રમત દેખાડી મુંબઈ માટે આશા જગાડી હતી. પણ તે પણ ઝડપી રન બનાવવાના પ્રયાસમાં બૉલ્ટની બાલિંગમાં તેવટિયાના હાથમાં ઝીલાઈ ગયો હતો. કૃણાલે 15 બૉલમાં 32 રન કર્યા હતા. યુવરાજ સિંહે એક છેડો પકડી રાખતા અડધી સદી કરી હતી (35 બૉલમાં 53 રન) પણ દરેક બૉલ સાથે લક્ષ્યાંક સુધી પહોંચવાનું વધુ ને વધુ મુશ્કેલ થઈ રહ્યું હતું. સીઝનની પહેલી જ મૅચમાં મુંબઈને ઘરઆંગણે 37 રનથી હારનું મોઢું જોવું પડ્યું હતું.    
ઘરઆંગણે મુંબઈ ઈન્ડિયન્સે પહેલી મૅચમાં ટૉસ જીતીને ગ્રીન ટૉપ વિકેટ પર પ્રથમ બૉલિગ લીધી હતી. પણ દિલ્હીના બેટ્સમેનોએ 213 રન ખડકી દઈ યજમાન ટીમ સામે મોટો પડકાર મૂક્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે માત્ર 27 બૉલમાં 78 રન ફટકારી મુંબઈ સામે મુશ્કેલ ટાર્ગેટ ખડો કર્યો હતો. 
મુંબઈએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ગઈ સીઝનના સફળ એવિન લૂઈસ અને ઈશાન કિશનને પડતા મૂકી યુવરાજ સિંહ અને ક્વિન્ટન ડીકોકનો સમાવેશ કર્યો હતો તથા જમ્મુ-કાશ્મીરના 17 વર્ષીય ફાસ્ટ બૉલર રસિખ સલામ દારને રમાડ્યો હતો.  તો દિલ્હીએ પણ અનુભવી સ્પિનર અમિત મિશ્રાને બદલે રાહુલ તેવટિયા અને અક્ષર પટેલ ઉપરાંત, ઈશાંત શર્મા, ટ્રેન્ટ બૉલ્ટ, કાગિસો રબાડા તથા અૉલરાઉન્ડર કીમો પૉલ જેવી બૉલરોથી ભરચક ટીમ ઉતારી હતી. 
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer