કૉંગ્રેસના રણજિતસિંહ નિમ્બાળકર આજે ભાજપમાં પ્રવેશ કરશે

કૉંગ્રેસને જોરદાર ફટકો, ભાજપની સ્થિતિ મજબૂત

અમારા પ્રતિનિધિ તરફથી
સાતારા, તા. 24 : માઢા લોકસભા મતદારક્ષેત્રમાં દબદબો ધરાવતા કૉંગ્રેસ પક્ષના સાતારા જિલ્લાના અધ્યક્ષ રણજિતસિંહ નાઈક નિમ્બાળકર આવતી કાલે સોમવારે ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. નાઈક નિમ્બાળકરના ભાજપપ્રવેશથી ભાજપની માઢાની સ્થિતિ મજબૂત બનશે તો બીજી તરફ કૉંગ્રેસને જોરદાર ફટકો પડશે એવી ચર્ચા ચગડોળે ચડી છે. નાઈક નિમ્બાળકર સોમવારે મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરવાના છે.
અહમદનગરના કૉંગ્રેસના સુજય વિખે પાટીલ અને ઉસ્માનાબાદના રણજિતસિંહ મોહિતે પાટીલ, મુંબઈના પ્રવીણ છેડા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષા ભારતી પવાર બાદ નાઈક નિમ્બાળકરનો ભાજપમાં પ્રવેશ થવાનો છે. નિમ્બાળકર સાતારા જિલ્લાના માણ, ખટાવસ ફલટણ જેવા મતવિસ્તારમાં આવતા તાલુકાઓમાં સારોએવો પ્રભાવ ધરાવે છે, જેને લીધે તેમને માઢા મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી મળવાની શક્યતા છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસે માઢામાં સોલાપુર જિલ્લા પરિષદના અધ્યક્ષ સંજયમામા શિંદેને ઉમેદવારી આપી છે. નાઈક નિમ્બાળકરને ઉમેદવારી જાહેર કરાતાં તેમનો સીધો મુકાબલો સંજય શિંદે સાથે થવાનો છે. થોડા દિવસ પૂર્વે નાઈક નિમ્બાળકરને કૉંગ્રેસનું જિલ્લા અધ્યક્ષપદ સોંપવાનું વિચારાયું હતું, પરંતુ આંતરિક વિખવાદને લીધે નાઈક નિમ્બાળકરે કૉંગ્રેસ છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
પરભણીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ફટકો
પરભણીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય ગણેશ દૂધગાવકરના દીકરા સમીર દૂધગાવકર પણ ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો તેઓ ભાજપમાં પ્રવેશ કરે તો પરભણીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસને ફટકો પડી શકે છે. સમીર દૂધગાવકર શનિવારે 23 માર્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.
રણજિતસિંહ નાઈક નિમ્બાળકરને ભાજપ દ્વારા માઢાની ઉમેદવારી મળવાની છે એવું જાણવા મળ્યા બાદ ઘણા વખતથી ચર્ચામાં રહેલા માઢાની લોકસભાનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. માઢામાં હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંજયમામા શિંદે અને ભાજપના નાઈક નિમ્બાળકર વચ્ચે સીધો મુકાબલો થશે. માઢામાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પોતે ચૂંટણીજંગમાં ઝંપલાવવાના હતા, પણ તેમણે પીછેહઠ કરી લીધી છે એટલે એ બેઠક પર વિદ્યમાન સંસદસભ્ય વિજયસિંહ મોહિતે પાટીલ દાવેદાર ગણાતા હતા, પરંતુ તેમના પુત્ર રણજિતસિંહ મોહિતે પાટીલે ભાજપમાં પ્રવેશ કરતાં તેમનું પત્તું કપાઈ ગયું. સંજય શિંદેએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં પ્રવેશ કરતાં તેમના નામની જાહેરાત ખુદ શરદ પવારે કરી હતી. સંજય શિંદે સોલાપુર જિલ્લા પરિષદના અધ્યક્ષ છે અને રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય બબનદાદા શિંદેના ભાઈ છે.
મોહિતે-પાટીલ કુટુંબના સભ્યોને ઉમેદવારી મળતી ન હોવાનું ચિત્ર દેખાતાં રણજિતસિંહ મોહિતે પાટીલે ભાજપનો ઝંડો ખભે ઉપાડી લીધો છે. એટલે માઢામાં કોને ઉમેદવારી મળશે એ બાબતે દરેકના મનમાં ઉત્સુકતા હતી. ભાજપ દ્વારા રણજિતસિંહ મોહિતે પાટીલને ઉમેદવારી મળશે એવી શક્યતા હતી, પરંતુ હવે રણજિતસિંહ નાઈક નિમ્બાળકરને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
રણજિતસિંહ નાઈક નિમ્બાળકર કોણ છે ?
 • સાતારાના કૉંગ્રેસ અધ્યક્ષ
 • અઢી મહિના પૂર્વે જિલ્લા અધ્યક્ષપદે નિમણૂક
 • સંસદસભ્ય હિન્દુરાવ નાઈક નિમ્બાળકરના દીકરા
 • સ્વરાજ્ય ઉદ્યોગ સમૂહના સ્થાપક
 • સ્વરાજ્ય ઉદ્યોગ સમૂહમાંથી યુવકોની ફોજ તૈયાર કરનાર
 • 1996માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપ-શિવસેના યુતિ દ્વારા તેમના પિતા હિન્દુરાવ નાઈક નિમ્બાળકરને ઉમેદવારી સોંપાઈ હતી
સંજયમામા શિંદે કોણ છે ?
 • શિવસેના-ભાજપની મદદથી હાલમાં સોલાપુર જિલ્લા પરિષદના અધ્યક્ષ
 • માઢા રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય બબનદાદા શિંદેના નાના ભાઈ અને મોહિતે પાટીલના કટ્ટર વિરોધી
 • નિમગાવ ટેંભુર્ણીના સરપંચપદેથી રાજકારણમાં પ્રવેશ
 • 2014ની ચૂંટણીમાં કરમાળા વિધાનસભાની ચૂંટણીમાં પરાજિત
 • જિલ્લા પરિષદની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયા
 • પાલકપ્રધાન વિજય દેશમુખની મદદથી બન્યા અધ્યક્ષ
 • મ્હૈસગાવમાં સાકર કારખાના અને કપાસ મિલના અધ્યક્ષ
 • માઢા તાલુકા કૃષિ ઉત્પન્ન બાજાર સમિતિના ચૅરમૅન અને જિલ્લા બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ
 • જિલ્લા પરિષદનું અધ્યક્ષપદ તથા માઢા પંચાયત સમિતિનું સભાપતિપદ શોભાવ્યું
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer