ટીવી-ચૅનલોના નવા ટૅરિફ પ્લાનથી ગ્રાહકો અસ્વસ્થ

ટ્રાઇ'એ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવું જોઈએ : વીરેન શાહ

મુંબઈ, તા. 24 : ટેલિવિઝનની વિવિધ ચૅનલો પર જે રીતે નવા દર લાગુ પાડવામાં આવી રહ્યા છે અને મહિનાની ફીમાં જે રીતે 75થી 100 ટકાનો વધારો થઈ ગયો છે એનાથી લાખો ટીવીપ્રેક્ષકો ગૂંચવાઈ ગયા છે અને રોષે ભરાયા છે. આ બધું ટ્રાઇના નવા કાયદાને કારણે થયું છે એમ ટેલિકૉમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઇ)ના ચૅરમૅન રામસેવક શર્માને પાઠવેલા પત્રમાં ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે લાખો વેપારીઓ વતી જણાવ્યું હતું.
અમે એવું માનીએ છીએ કે ટ્રાઇ દ્વારા જે નવા દર ઘડવામાં આવ્યા છે એનાથી ગ્રાહકો પર મોટો બોજ પડશે એમ શાહે વધુમાં જણાવ્યું હતું.
ટ્રાઇ દ્વારા પેઇડ ચૅનલોના જે નવા દર જાહેર કરવામાં આવ્યા છે એનાથી ગ્રાહકોના બિલમાં ધરખમ વધારો થશે. ટ્રાઇ દ્વારા ગ્રાહકોનું રક્ષણ થવું જોઈએ અને ભારતીયોને શ્રેષ્ઠ દર મળવા જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સ્ટાર, ઝી અને સોની પિક્ચર્સ જેવાં ટેલિવિઝનનાં ટોચનાં બ્રૉડકાસ્ટ નેટવર્કોએ નવા ટૅરિફ દર અમલમાં આવ્યા બાદ કૅબલના બેઝિક પૅકમાં અને ટીડીએચ અૉપરેટરોમાં પોતાની ચૅનલો અૉફર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આનાથી માસિક કૅબલ કે ડીટીએચ બિલમાં નોંધનીય ઘટાડાની આશા રાખીને બેઠેલા દર્શકોને આઘાત લાગ્યો છે, કારણ કે આનાથી તેમની મોટા ભાગની ફેવરિટ ચૅનલો હવે રૂપિયા 130 (ટૅક્સ વધારાના)ના બેઝિક પૅકમાં ઉપલબ્ધ થશે નહીં.
ઝી, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા, વાયકૉમ18 અને ટીવી18 જેવાં નેટવર્ક્સે તેમની તમામ ફ્રી ટુ ઍર ચૅનલોને પે ચૅનલમાં પરિવર્તિત કરી દીધી છે એમ શાહે વધુમાં જણાવ્યું હતું.
ટ્રાઇએ જણાવ્યું છે કે નવા કાયદાથી સબક્રાઇબર્સને કોઈ અગવડ થવી ન જોઈએ અને એથી એ તમામ કૅબલ અને ડીટીએચ કંપનીઓને એના ગ્રાહકો માટે શ્રેષ્ઠ ફિટ પ્લાન ઊભો કરવો જોઈએ, કારણ કે ગ્રાહકોએ હજી તેમનો વિકલ્પ પસંદ કર્યો નથી.
અમે ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા અને તેઓ અગાઉ જે દર ચૂકવતા હતા એ દર પ્રસ્થાપિત કરવા તમારા હોદ્દાનો ઉપયોગ કરવાની તમને વિનંતી કરીએ છીએ, કારણ કે નવા કાયદાથી લાખો દર્શકો નાખુશ છે અને તેઓ તેમનાં હિતોનું રક્ષણ થાય એમ ઇચ્છે છે, એમ વીરેન શાહે ટ્રાઇના ચૅરમૅનને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer