હાર્દિક પટેલ એ કૉંગ્રેસના વ્યૂહનો હિસ્સો છે એ બધા જાણે છે

ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી લીધેલાં પગલાંને લીધે બધી 26 બેઠકો જીતીશું : નીતિન પટેલ

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 24 : ગુજરાતમાં વિધાનસભાની ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે જાતિવાદ, જ્ઞાતિવાદ, દલિતો પર અત્યાચાર અને પટેલ અનામત આંદોલનના નામે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા છતાં લોકોએ વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને ગુજરાતમાં ભાજપની સરકારોએ બજાવેલી કામગીરીની તરફેણમાં મતદાન કર્યું હતું. ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી અમે લીધેલા પગલાને કારણે લોકસભાની બધી જ 26 બેઠકો જીતી લઈશું એવો અમને વિશ્વાસ છે એમ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે.
નીતિન પટેલે `જન્મભૂમિ'ને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા દલિત, જ્ઞાતિ-જાતિવાદ, પાટીદાર આંદોલન અને શરાબબંધી જેવા મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. અમે એ પ્રચારના જવાબમાં સવર્ણ વિદ્યાર્થીઓને પછાત વર્ગોના વિદ્યાર્થીઓ જેવી સુવિધા આપી છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા સવર્ણ વિદ્યાર્થીઓને અનામત આપી છે. આ નિર્ણયો કૉંગ્રેસના અપપ્રચારનો જડબાતોડ જવાબ છે.
પટેલોના અનામત આંદોલન વિશે પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલે પટેલ સમાજને અનામત અપાવવા આંદોલન શરૂ કર્યું એ પછી હવે તે કૉંગ્રેસના રાજકીય વ્યૂહનો હિસ્સો બની ગયો છે એથી તેણે પટેલોનું સમર્થન ગુમાવી દીધું છે. હાર્દિક પટેલ કૉંગ્રેસની સાથે છે એની જાણ બધાને થઈ છે.
ગુજરાતમાં કયા મુદ્દા પર ભાર મુકાશે એ સંદર્ભે નીતિન પટેલે જણાવ્યું હતું કે દેશની જેમ ગુજરાતમાં પણ વિકાસ, સલામતી અને રાષ્ટ્રનું સન્માન જેવા મુદ્દાને પ્રાધાન્ય આપીશું.
કૃષિક્ષેત્રની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે પાક વીમાં અંગેની સમસ્યા હતી એ હલ કરવા પાક વીમા યોજના હેઠળ 2600 કરોડ રૂપિયાનું વિતરણ કરાયું છે.
ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી વિશે પટેલે જણાવ્યું હતું કે તેમની ઉંમર 91 વર્ષની થઈ છે. પ્રત્યેક ક્ષેત્રમાં નિવૃત્તિનો સમય હોય છે. પક્ષપ્રમુખ અમિત શાહ પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાંથી જ વિધાનસભામાં ચૂંટાયા હતા.
ગુજરાતમાં અભિનેતા પરેશ રાવલને બદલે અભિનેતા મનોજ જોષીને ઉમેદવારી આપવા સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે એ વિશે પક્ષના મોવડીઓ નિર્ણલ લેશે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer