જેટ ઍરવેઝના સંકટથી એક મહિનામાં 13 લાખ સીટ ઘટી

ડોમેસ્ટિક ફ્લાઇટમાં સીટની સંખ્યા ઘટતાં ટૂરિઝમ સેક્ટરને ફટકો પડવાની સંભાવના

નવી દિલ્હી, તા. 24: જેટ એરવેઝએ પોતાની ઘણી ફ્લાઈટ હટાવી લેતા એક મહિનામાં સ્થાનિક ફ્લાઇટની 10 લાખ સીટ ઓછી થઈ છે. જેના કારણે આંતરરાજ્ય ફ્લાઇટનાં ક્ષેત્રમાં તેજીથી આગળ વધતી ભારતીય બજારની છબીને પણ ઠેસ પહોંચી છે. પ્રતિમાસ સીટની સંખ્યાના અંદાજિત આંકડાથી ખ્યાલ આવે છે કે ફેબ્રુઆરી મહિનામાં ઘરેલુ ફ્લાઇટની કુલ સીટમાં 13 લાખનો ઘટાડો થઈને 1.34 કરોડ રહી ગઈ છે. જે જાન્યુઆરી મહિનામાં 1.47 કરોડ હતી. 
દેશની સૌથી મોટી એર લાઇન્સ કંપની ઇન્ડિગો પણ વર્તમાન સમયમાં પાયલોટની ઘટથી પરેશાન છે અને તેની અસર ફ્લાઇટ ઉપર પડી છે. ઇન્ડિગોએ પાયલોટની ઘટના કારણે 30 ફ્લાઇટ ઘટાડવાનું એલાન કરી રાખ્યું છે. આ દરમિયાન ડીજીસીએના આદેશને ધ્યાને લઈને સ્પાઇસજેટે પોતાના બોઇંગ 737 મેક્સ વિમાનને સેવામાંથી દૂર કરી દીધા હોવાથી તેની અસર પણ દેખાઈ રહી છે. આ અગાઉ કિંગ ફિશર બંધ થવાથી સ્થાનિક ફ્લાઈટની સેવાને અસર પહોંચી હતી. જેટ એરવેઝ મુખ્ય રૂપે લીઝની રકમ ચૂકવી ન શકતા 84 વિમાન સેવામાંથી દૂર થયા છે. જ્યારે સ્પાઇસ જેટના 12 બોઇંગ 737 મેક્સ જમીન ઉપર આવી ગયા છે. બીજી તરફ ફ્લાઇટની કમીના કારણે ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે.
ડોમેસ્ટિક ફ્લાઇટનું બજાર એક તરફ તેજીમાં આવી રહ્યું હતું. તેવામાં ફ્લાઇટની કટોકટીની ગંભીર અસર થવા જઈ રહી છે. જેની ચિંતા એરલાઇન્સ કંપનીઓમાં પણ જોવા મળી રહી છે. ટ્રાવેલ એનાલિસ્ટના કહેવા પ્રમાણે રજાની મોસમ ન હોવાથી સીટ ઘટવા ઉપર વધુ દેકારો થયો નથી પરંતુ ભવિષ્યમાં ટુરિઝમ સેક્ટરને ફટકો પણ પડી શકે છે. આ પરિસ્થિતિ ઇન્ડિયન એવિયેશન માટે યોગ્ય નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer