ચોમાસામાં વિલંબ થાય તો ભાત્સા અને અપર વૈતરણામાંથી

ચોમાસામાં વિલંબ થાય તો ભાત્સા અને અપર વૈતરણામાંથી
પાણી લેવા બીએમસીને પરવાનગી
 
મુંબઈ, તા. 24 : શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોના ઉપરવાસમાં વરસાદના પ્રારંભમાં વિલંબ થાય તો બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) ભાત્સા અને અપર વૈતરણામાંથી પાણી મેળવશે. આ બંને જળાશયોમાંથી અનુક્રમે 70 મિલિયન લિટર અને 100 મિલિયન લિટર પાણી ખેંચવાની પરવાનગી બીએમસીને રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. 
જળાશયોની પાણીની સપાટી નીચે ઊતરી જતાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાના આગમન સુધી શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડવાને લઈને બીએમસી ચિંતિત છે. હાલ પાણીની વાપરી શકાય એ સપાટી કુલ ક્ષમતાના 32 ટકા જેટલી છે.
બીએમસીના હાઈડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ વધારાનું પાણી ભાત્સા અને અપર વૈતરણામાંથી મેળવી લેવાની રાજ્ય સરકારે બીએમસીને પરવાનગી આપી છે.
`જો ચોમાસું સમયસર આવશે તો શહેરને પૂરો પાડવામાં આવતો પાણીનો પૂરતો પુરવઠો અમારી પાસે ઉપલબ્ધ છે, એમ એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બર અને અૉક્ટોબર મહિનામાં અપૂરતો વરસાદ થતાં બીએમસીને શહેરમાં 10 ટકા પાણીકાપ લાદવાની ફરજ પડી હતી. શિયાળામાં પાણીકાપ લાદવા માટે બીએમસીની વિપક્ષો અને નાગરિકોએ ઝાટકણી કાઢી હતી.
જોકે, બીએમસીના અધિકારીઓએ આ પગલાંનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, સમયસરના પાણીકાપને કારણે જળસંચય કરવામાં મદદ મળી હતી.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer