શિવાજી, આંબેડકરનાં સ્મારકોની ધીમી પ્રગતિ

શિવાજી, આંબેડકરનાં સ્મારકોની ધીમી પ્રગતિ
લોકસભાની ચૂંટણીમાં ભાજપને અસ્વસ્થ કરી શકે
 
મુંબઈ, તા. 24 (પીટીઆઇ) : મુંબઈની આસપાસ છત્રપતિ શિવાજી મહારાજ અને દલિત નેતા બી. આર. આંબેડકરને સમર્પિત મોટા પ્રોજેક્ટોની મંદ ગતિ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને અસ્વસ્થ કરી શકે છે એવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.
મુંબઈના અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બાંધવાનું કાર્ય 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `જલપૂજા' કર્યાનાં ત્રણ વર્ષ બાદ પણ હજી શરૂ થઈ શક્યું નથી. જોકે આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેક્નિકલ મંજૂરીઓ મળી ગઈ છે, પરંતુ મુખ્ય કાર્ય શરૂ થયું નથી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 3600 કરોડ રૂપિયા છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વારંવાર કહ્યા કરે છે કે આ પ્રોજેક્ટમાં વિલંબ નહીં થાય, પરંતુ વિરોધ પક્ષો તેમની આ વાત માનવા તૈયાર નથી.
`એવું લાગે છે કે સરકાર લોકોની લાગણીઓ સાથે રમી રહી છે. મહારાષ્ટ્રના તમામ લોકોને આ પ્રોજેક્ટ જોઈએ છે, પરંતુ સરકાર એના બાંધકામમાં બિનજરૂરી વિલંબ કરી રહી છે,' એમ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ જણાવ્યું હતું.
એનસીપીના આ નેતાએ જણાવ્યું હતું કે મેટ્રો પ્રોજેક્ટ્સની સરખામણીમાં આ પ્રોજેક્ટ્સમાં ભાગ્યે જ કોઈ પ્રગતિ થઈ છે. એવી જ રીતે મધ્ય મુંબઈમાં ઇન્દુ મિલની જગ્યાએ બી. આર. આંબેડકરનું સ્મારક રૂપિયા 500 કરોડના ખર્ચે બનાવવાનું છે એનું કાર્ય પણ શરૂ થયું નથી. બે વાર મુખ્ય પ્રધાન આ પ્રોજેક્ટની મહેતલને લંબાવી ચૂક્યા છે.
આવી જ રીતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના 12,000 કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ પણ શરૂ થયું નથી, કારણ કે એના બાંધકામની પરવાનગી મોડેથી લેવામાં આવી હતી.
મુંબઈ અને નાગપુરને જોડતા મુંબઈ-નાગપુર સુપર કૉમ્યુનિકેશન હાઇવેના 46000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મુખ્ય પ્રધાનનો ડ્રીમ પ્રેજેક્ટ ગણવામાં આવે છે. આ પ્રોજેક્ટને `સમૃદ્ધિ મહામાર્ગ' નામ આપવામાં આવ્યું છે.
રાજકીય નિરીક્ષક અભય દેશપાંડેને એવું લાગે છે કે આ પ્રોજેક્ટો અંગે લોકોમાં ઉત્સાહ છે. આ પ્રોજેક્ટો માટેની જમીન જ્યાં સંપાદિત કરાઈ છે એ વિસ્તારના લોકો આ પ્રોજેક્ટ વિશે થોડા નારાજ છે, કારણ કે તેમનું બાંધકામ શરૂ થઈ શક્યું નથી.
જોકે ભાજપના મુખ્ય પ્રવક્તા માધવ ભંડારીએ આ વાતને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે મતદારોને ખબર છે કે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે એણે છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. આંબેડકરનાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્મારકો બાંધવાની માગણી કરી હતી. પાંચ વર્ષમાં રાજ્ય સરકારે મોટા ભાગની પરવાનગીઓ મેળવી લીધી છે.
2014ની લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને 22, શિવસેનાને 18, કૉંગ્રેસને બે અને એનસીપીને પાંચ તથા સ્વાભિમાન પક્ષને 1 બેઠક મળી હતી.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer