દેશભક્તોનો વિરોધ અને સૈન્ય પર શંકાની આદત

દેશભક્તોનો વિરોધ અને સૈન્ય પર શંકાની આદત
કૉંગ્રેસને ગળથૂથીમાંથી મળી છે : નીતિન પટેલ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : `દેશભક્તોનો વિરોધ કરવો અને સૈનિકોના પરાક્રમ પર શંકા કરવી એ આદતો કૉંગ્રેસને ગળથૂથીમાંથી મળી છે. કૉંગ્રેસના નેતાઓ દિગ્વિજયસિંહ અને સામ પિત્રોડા દેશવિરોધી છે,' એમ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે.
ભાજપના ઉત્તર મુંબઈની બેઠકના ઉમેદવાર ગોપાલ શેટ્ટીના પ્રચાર માટે કાંદિવલી (પશ્ચિમ)માં ગોરસવાડી મેદાનમાં યોજાયેલી સભામાં સંબોધન કરતાં પટેલે જણાવ્યું હતું કે `િદગ્વિજયસિંહ અને સામ પિત્રોડા જેવા નેતાઓ પાકિસ્તાનના દલાલ હોય એવી ભાષા બોલે છે. તેઓને ભારત સાથે કે પોતાના પરિવારનો સાથ છોડીને સીમા પર સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર સૈનિકો પ્રત્યે કોઈ હમદર્દી નથી. તેઓને માત્ર મતો મેળવવા માટેના રાજકારણ સાથે જ નિસ્બત છે. તેઓ સૈનિકોની શહાદતનું અપમાન કરે છે. પ્રિયંકા ગાંધીએ તેમની 45 વર્ષની ઉમરમાં સાબરમતી આશ્રમ કે ગંગા નદીની મુલાકાત લીધી નહીં હોય, પરંતુ હવે ચૂંટણીપ્રચાર અને મત મેળવવા માટે તેઓ એની મુલાકાત લઈ રહ્યાં છે. વિદેશપ્રધાન સુષમા સ્વરાજને ઇસ્લામિક રાષ્ટ્રોના વિદેશપ્રધાનોની બેઠકમાં વિશેષ આમંત્રિત તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિની સફળતા છે,' એમ પટેલે ઉમેર્યું હતું.
ભાજપના સંસદસભ્ય અને ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ભાજપ તરફથી મને સાતમી વખત ઉમેદવારી મળી છે. હવે કાર્યકરો મને આશીર્વાદ આપવાના છે. પાંચ વર્ષમાં મેં સીઆરઝેડ વન ખાતાની અને સંરક્ષણ ખાતાની જમીન પર રહેતા નાગરિકોના પ્રશ્ન હલ કરવા અસરકારક કામગીરી બજાવી છે.
મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના નેતા વિખે-પાટીલનું પક્ષમાં કોઈ સાંભળતું નથી, અશોક ચવ્હાણનું કૉંગ્રેસનું મોવડીમંડળ માનતું નથી અને રાષ્ટ્રવાદીના નેતા શરદ પવાર જે બોલે એ કરતા નથી એથી મતદારો માત્ર ભાજપ પર જ વિશ્વાસ રાખી શકે છે.
ભાજપના ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે જણાવ્યું હતું કે ભાજપને આ વખતે લોકસભાની 400 બેઠકો મળશે. લોકોએ દરરોજ 18 કલાક કામ કરતા વડા પ્રધાન મોદીને ફરી ચૂંટી કાઢવાના છે. લોકોએ ભાજપને મત આપવાનો નિર્ણય લીધો છે. કાર્યકરોએ મતદારો મતદાન-કેન્દ્ર સુધી જાય એનું ધ્યાન રાખવાનું છે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer