કપોળ બૅન્કના ખાતેદારો અને રોકાણકારોના સહકારની અપેક્ષા

કપોળ બૅન્કના ખાતેદારો અને રોકાણકારોના સહકારની અપેક્ષા
બોર્ડ અૉફ ડિરેક્છટર્સની પૅનલમાં કપોળ કેસીબીએલના સભ્યો ચૂંટાઈ આવે તો બૅન્ક ફરી ધમધમતી થાય : ધવલ મહેતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કપોળ બૅન્કની કથળતી હાલતના પગલે રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ)એ 20 જૂન, 2014ના બોર્ડ અૉફ ડિરેકટર્સને બરખાસ્ત કરીને કપોળ બૅન્કના સંચાલક (ઍડમિનિસ્ટ્રેટર)ની નિમણૂક કરી હતી, પરંતુ ઍડમિનિસ્ટ્રેટરની મુદત પૂરી થતી હોવાથી ખાતેદારોના સંગઠન `કપોળ કેસીબીએલ'એ બૅન્કના નવા બોર્ડ અૉફ ડિરેકટર્સની ચૂંટણી યોજવાની અપીલ કરી હતી અને આરબીઆઈએ મે મહિનામાં ચૂંટણી યોજવાની ખાતરી આપી હતી, પરંતુ મે મહિનામાં લોકસભાની ચૂંટણી હોવાથી આ ચૂંટણી બાદ કપોળ બૅન્કના બોર્ડ અૉફ ડિરેકટર્સની નવેસરથી ચૂંટણી યોજવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. કપોળ બૅન્કના બોર્ડ અૉફ ડિરેકટર્સની ચૂંટણીમાં કપોળ કેસીબીએલના સભ્યો ચૂંટાઈ આવે તો બૅન્ક ફરીથી ધમધમતી થાય અને બૅન્કનું ભવિષ્ય સુધરે માટે ખાતેદારો, રોકાણકારો અને શૅરહોલ્ડર્સને સંગઠન તરફથી વિનંતી અને સહકારની અપેક્ષા રાખી હતી.
લોકસભાની ચૂંટણી બાદ કપોળ બૅન્કના બોર્ડ અૉફ ડિરેકટર્સની ચૂંટણી યોજાવાની છે. જો આ ચૂંટણીમાં આખી પૅનલ પર કપોળ કેસીબીએલના સભ્યો ચૂંટાઈ આવે તો બૅન્કનું ભવિષ્ય ફરી ઉજ્જવળ બનાવી શકાય છે. કપોળ કેસીબીએલના સભ્યો પૅનલ પર હોય તો બૅન્કને અને શૅરહોલ્ડર્સ તેમ જ રોકાણકારોના ફાયદા અને ભવિષ્યની યોજના સમજાવતાં કપોળ કેસીબીએલના સંયોજક ધવલ મહેતાએ કહ્યું હતું કે બૅન્કને ફરીથી શરૂ કરવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે. તે માટે છ મહિનાનો ઍકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. તે સિવાય 18 મહિનામાં જો 140 કરોડ એનપીએમાંથી 60 કરોડ રૂપિયાની રિકવરી થઈ જાય તો બૅન્ક આર્થિક રીતે સરભર થઈ જાય. જો 18 મહિનામાં 90 ટકા રિકવરી થાય તો 24 મહિનામાં બૅન્ક ફરીથી ધમધમતી થઈ શકે છે. કપોળ કેસીબીએલના સભ્યો છેલ્લાં બે વર્ષથી એકજૂટ થઈને કાર્ય કરી રહ્યા છે. બૅન્કની બહાર રહીને આટલાં કાર્યો કરી શકે છે તો પછી આ જ સભ્યો જો બોર્ડ અૉફ ડિરેકટરની પૅનલ પર હોય તો બૅન્કનાં કામકાજને વધુ સરળતાથી અને ઝડપથી કરી શકે છે. કપોળ કેસીબીએલના સભ્યોએ બનાવેલા `અપલિફટમેન્ટ પ્લાન'થી બૅન્ક ફરીથી પહેલાની જેમ નફો કરી શકે છે.
કપોળ બૅન્કને ફરી શરૂ કરવા માટે સંગઠને ત્રણ જાહેર ચળવળનું પણ આયોજન કર્યું છે. પ્રથમ `િડફોલ્ટર્સ પે મુવમેન્ટ', જેમાં વિસ્તાર મુજબ ગ્રુપ બનાવીને ઉત્સાહભેર રિકવરી કરવામાં આવશે. બીજી છે `આરઈડે મુવમેન્ટ', જેમાં આરબીઆઈ એક્ઝિટ કપોલ મુવમેન્ટ અંતર્ગત આરબીઆઈ પાસેથી સંપૂર્ણ બૅન્કિંગની પરવાનગી લેવામાં આવશે. આરબીઆઈને હટાવવા માટે 35 ટકા ઓફસેટનું પ્રપોઝલ આપવામાં આવશે. બાર મહિનામાં અચિવેબલ રિકવરી કરીને લોકોને થોડાં થોડાં કરીને નાણાં પાછાં આપવામાં આવશે. જ્યારે ત્રીજી ચળવળ છે `બૅન્કિંગ ઈન્ડિયા રિફોર્મ', આ જ રીતે 24 મહિનાના ઍકશન પ્લાનમાં કપોળ બૅન્કને ફરીથી ઊભી કરવાનું લક્ષ્ય કપોળ કેસીબીએલનું છે તેમ ધવલ મહેતાએ જણાવ્યું હતું. કપોળ બૅન્કને ફરીથી ધમધમતી કરવા ખાતેદારો, રોકાણકારોને કપોળ કેસીબીએલના સભ્યોને સહકાર આપવા માટે સંગઠને વિનંતી કરી હતી.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer