સુષમાએ પાકિસ્તાનના પ્રધાનને ઝાટક્યા, ઇમરાન ખાને આપ્યા તપાસના આદેશ

સુષમાએ પાકિસ્તાનના પ્રધાનને ઝાટક્યા, ઇમરાન ખાને આપ્યા તપાસના આદેશ
બે હિન્દુ સગીરાનાં અપહરણ અને ધર્માંતરણ મુદ્દે વાક્યુદ્ધ

નવીદિલ્હી, તા. 24 (પીટીઆઈ): હોળીની પૂર્વસંધ્યાએ પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં બે હિન્દુ સગીર છોકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યાની ઘટના સામે આવ્યા બાદ ભારતે પાક. સામે સખત વલણ અપનાવ્યું છે. ભારતે આ ઘટના ઉપર પાક.માં ભારતીય દૂતાવાસ પાસેથી અહેવાલ પણ માગ્યો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આ મુદ્દે સક્રિય બનવા સાથે જ પાક.નાં સૂચના મંત્રીને ઝાટકી નાખ્યા હતાં. બીજીબાજુ પાક. વડાપ્રધાન ઈમરાન ખાને પણ આ મામલે તપાસનાં આદેશો આપી દીધા હતાં.
આજે બપોરે સુષ્મા સ્વરાજે આ ઘટના સંબંધિત એક મીડિયાનાં અહેવાલને ટ્વિટ ઉપર શેર કરીને ભારતીય દૂતાવાસ પાસેથી રિપોર્ટની માગણી કરી હતી. જો કે આ સુષ્માની આ સક્રિયતા ધ્યાને આવતાંની સાથે પાક.નાં સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આ પ્રકરણની તપાસ ચાલી રહી છે. તેમણે લખ્યું હતું કે હિન્દુ સગીરાઓ સાથે બનેલી આ શરમજનક ઘટના ઉપર પાક. વડાપ્રધાન ઈમરાન ખાને તપાસ માટે આદેશ આપી દીધેલો છે.  ભારત પાક.માં લઘુમતી હિન્દુ સમુદાયની વ્યાધિઓ મામલે હંમેશા સંવેદનશીલ રહ્યું છે. ત્યારે આ ઘટના વિશે પણ ભારતે પોતાની ચિંતા દર્શાવી ત્યારે તપાસનાં આદેશની સ્પષ્ટતા કરવાં સાથે જ પાક. સૂચના મંત્રીએ અકોણાઈ દેખાડવાનું પણ બાકી રાખ્યું નહોતું. તેમણે ટ્વિટર ઉપર આગળ એમ પણ ઉમેર્યું હતું કે આ પાક.નો આંતરિક મામલો છે. જો કે એટલું આશ્વાસન ચોક્કસ આપી શકાય કે આ મોદીનું ભારત નથી. જ્યાં લઘુમતીને યાતનાઓ આપવામાં આવતી હોય. આ ઈમરાનનું નવું પાકિસ્તાન છે. સુષ્મા સ્વરાજ ભારતમાં પણ લઘુમતીનાં અધિકારો માટે આવી જ તત્પરતા દેખાડશે તેવી આશા રાખવામાં આવે છે. જો કે સુષ્માએ પાક.મંત્રીનાં આ નિવેદનનો જવાબ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે ભારતે તો ફક્ત એક અહેવાલ માગ્યો તે પણ પાક.ને જચ્યું નથી. એ જ દર્શાવી જાય છે કે પાક.ને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer