જમ્મુમાં ત્રણ આતંકવાદીઓ જીવતા પકડાયા

જમ્મુ, તા. 25 : સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ખતરનાક આતંકવાદીઓને જીવતા પકડયા છે. આ ત્રણેની શ્રીનગરના બારામુલા રોડથી ગુપ્ત માહિતી પરથી ધરપકડ કરવામાં આવી છે. તેઓ પાસેથી વિસ્ફોટક અને હથિયાર હાથ કરવામાં આવ્યાં છે. તેમના નામ રઈસ હુર્રાહ, શહિદ ભટ અને ઇશાક લોન છે.
દરમિયાન, ગુપ્તચર એજન્સીઓએ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલ-કાએદા તરફથી તોળાઈ રહેલા બેવડા ધમકીના ખતરા અંગે દિલ્હી, મુંબઈ અને ગોવા પોલીસને સતર્ક કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બંને આતંકવાદી સંગઠનો ન્યૂ ઝીલૅન્ડની ઘટનાનો બદલો લેવા સંભવત: યહૂદી સંસ્થાનો પર ત્રાટકી શકે છે.
આંતરિક માહિતી સૂચવે છે કે આતંકવાદીઓ હુમલા માટે વાહન અથવા છરીનો ઉપયોગ કરી શકે છે, જે અંતર્ગત મુંબઈસ્થિત ઇઝરાયલી એમ્બેસી, કોન્સ્યુલેટ જનરલ, યહૂદીઓનું દેવળ તેમ જ ચાબક હાઉસીસની આસપાસનો જાપ્તો વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.
તા. 20 માર્ચના પ્રથમ એલર્ટમાં આઈએસ અને તેની સાથે જોડાયેલાં સંગઠનો દ્વારા ન્યૂ ઝીલૅન્ડના શહેર ક્રાઈસ્ટચર્ચમાં થયેલા હુમલાનો બદલો લેવામાં આવી શકે છે, જેમાં 50 જણ માર્યા ગયા હતા. અૉસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટન ટેરન્ટ (29) બે મસ્જિદોમાં અૉટોમેટિક શત્રો સાથે ત્રાટક્યો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ઇનપુટમાં લખ્યું છે. `અનેક સ્રોતો પાસેથી મળેલી માહિતી મુજબ આઈએસના પ્રવક્તાનું ઓડિયો ભાષણ કલોઝ્ડ ઓનલાઈન ગ્રુપ્સમાં સર્ક્યુલેટ કરાવાઈ રહ્યું છે. જેમાં તે મસ્જિદમાં થયેલા હત્યાકાંડનો બદલો લેવા તેના સમર્થકોને ઉશ્કેરી રહ્યો છે. આ સંદર્ભમાં યોગ્ય કારવાઈ કરવામાં આવશે. બીજો ઇનપુટ 23 માર્ચનો છે, જેમાં અલ-કાએદા દ્વારા યહૂદીઓનાં રહેઠાણો કે દેવળો પર સંભવિત હુમલો કરાશે એમ કહેવામાં આવ્યું છે.
દરમિયાન પોલીસે ઇનપુટમાં જણાવેલાં સ્થળો ઉપરાંત મહત્ત્વના મથકો પરની સુરક્ષામાં વધારો કર્યો છે તેમ જ ઇઝરાયલી એમ્બસી બહારની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer