નફાતારવણી ચાલુ રહેવાના સંકેત નિફટીમાં 11700 પર ડાર્ક કલાઉડ

નફાતારવણી ચાલુ રહેવાના સંકેત નિફટીમાં 11700 પર ડાર્ક કલાઉડ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : પૂરા થયેલ અઠવાડિયાના અંતિમ દિવસે શૅરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો. તેજીવાળાના સતત પ્રયાસો છતાં એનએસઈ ખાતે નિફટી ગુરુવારે 11761ની મહત્ત્વની પ્રતિકાર સપાટીથી નીચે 11752 બંધ રહ્યો હતો. બજારમાં ઊંચા મથાળે ચાલતી એકધારી સટ્ટાકીય વેચવાલી સટોડિયાઓ માટે મૂંઝવણ સર્જી રહી છે. વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની લેવાલી અને સ્થાનિક સંસ્થાઓની તેજી-મંદીની ચલકચલાણા જેવી રમતમાં રોજેરોજ નિફટીના જુદા જુદા શૅરોમાં ભાવ ઊંચા-નીચા કરીને નફાતારવણી ચાલી રહી હોવાનું અગ્રણી દલાલો જણાવે છે. પરિણામે લાંબા ગાળાની મિલકત જેવા શૅરોમાં રોકાણકારો માટે હજુ યોગ્ય ખરીદીનો સમય પાક્યો નથી એ હવે નિર્વિવાદ છે.
જાણકારોના અનુમાન પ્રમાણે ટેક્નિકલી નિફટીમાં 11700ની સપાટીના ટેકાના સ્તર સાથે દૈનિક ચાર્ટ પર ડાર્ક કલાઉડ કવર સાથે ગુરુવારે ઈન્ડેક્સ બેરીશ બેલ્ટ હોલ્ડ સાથે બંધ રહ્યો છે. 11761ના મહત્ત્વપૂર્ણ સપોર્ટ નીચે બંધ આવ્યો હોવાથી હવે 11700 નીચેનો બંધ બજારમાં વધુ વેચવાલી નોતરશે. એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે દૈનિક ધોરણે શરૂઆતમાં બજારને ઉછાળીને ગેપમાં ઉપર ખોલ્યા છતાં તેજીવાળાઓ તેને જાળવી શકતા નથી અને બજાર સત્રના અંતે અંદાજે 50 ટકા ઘટીને બંધ થાય છે. તેથી દૈનિક ધોરણે બજારમાં મંદીનો ટ્રેન્ડ જણાયો છે. ચાર્ટ વ્યૂ ઈન્ડિયાના મઝહર મોહંમદે જણાવ્યું હતું કે જો હવે 11738 વચ્ચે ટ્રેડિંગ અને 11700ની સપાટી તૂટે તો બજાર સાઈડવેવમાં આવશે, જ્યારે અઠવાડિક ચાર્ટ પ્રમાણે નિફટી પર સ્મોલ બેરીશ કેન્ડલ (થોડી મંદીનો ગાળો) ઉપસી રહી હોવાનું એચડીએફસી સિક્યુરિટીઝના નાગરાજ શેટ્ટીએ જણાવ્યું હતું. તેથી ઊંચા મથાળે નફાતારવણીનો ટ્રેન્ડ ચાલુ રહેશે.
દરમિયાન અગાઉના સપ્તાહે ડીસીબીનો નફો ત્રિમાસિક ધોરણે 50 ટકા વધુ આવવાથી શૅર સુધારે બંધ હતો. માઈન્ડટ્રી આખરી વ્યાજની જાહેરાત પછી થોડો ઘટીને બંધ હતો. અઠવાડિયા (ત્રણ દિવસ) દરમિયાન રિલાયન્સ કમ્યુનિકેશન્સ, માલુ પેપર, બ્લૂ કોસ્ટ હોટેલ્સ સહિતના કુલ 173 શૅર દૈનિક નીચલી સર્કિટે બંધ હતા. જ્યારે રાણે બ્રેકલાઈનિંગ અને મહામાયા સ્ટીલ સહિતના 144 `ટાઈની' શૅરમાં ઉપલી સર્કિટ હતી. જોકે, 45 શૅર જેમાં સ્પાઈસજેટ, પીસી જવેલર્સ, સુયોગ ટેલિમેટિકસ ઓવરબોટ પોઝિશન દર્શાવતા હતા. જ્યારે સેઈલ, ડીશ ટીવી, રિલાયન્સ પાવર, જિંદાલ સ્ટીલ, એચસીએલ ટેક અને બલરામપુર ચીનીમાં વેચાણ કરવાના સ્પષ્ટ સંકેત હતા.
Published on: Sat, 20 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer