લાદેનને આશ્રય આપનાર બન્યા પાકિસ્તાનના નવા ગૃહપ્રધાન

ઇસ્લામાબાદ, તા. 20 : પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે નિવૃત્ત બ્રિગેડિયર એઝાઝ શાહને ગૃહપ્રધાન પદ સોંપ્યું છે. આ પદ પહેલાં વડા પ્રધાન ઇમરાન ખાન પાસે જ હતું, પરંતુ તાજેતરમાં કૅબિનેટમાં કરાયેલ ફેરફાર હેઠળ નિર્ણય લેતાં શાહને પાકિસ્તાનના ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે.  
ઉલ્લેખનીય છે એઝાઝ શાહ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન જનરલ મુશર્રફની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે અને ભૂતકાળમાં શાહ પર આંતરરાષ્ટ્રીય આતંકી ઓસામા બિન લાદેનને આશ્રય આપવાનો આરોપ પણ લાગી ચૂક્યો છે.  
વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયન વેબસાઇટ સિડની મોર્નિંગ હેરાલ્ડમાં અપાયેલ માહિતી મુજબ, શાહે જ એબટાબાદમાં અલ-કાયદાના મુખિયા ઓસામા બિન લાદેન માટે ત્રણ માળનું મકાન બાંધવાનો આદેશ આપ્યો હતો. આ એજ સ્થળ છે જ્યાં વર્ષ 2011માં અમેરિકન સેનાએ લાદેનને ઠાર કર્યો હતો. 9/11 હુમલા પછી લાદેન અમેરિકાના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પહેલા સ્થાને હતો. પાકિસ્તાનના નવા ગૃહપ્રધાન પર એ પણ આરોપ હતો કે, જ્યારે પાકિસ્તાનની અને અમેરિકાની સેના લાદેનની શોધી કરી રહી હતી ત્યારે શાહે લાદેનને આશ્રય આપી તેને બચાવ્યો હતો.  
પાકિસ્તાનના જનરલ જિયાઉદ્દીન બટે પણ શાહ પર આ મામલે આરોપ લગાવ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોએ પોતાની મોત પહેલાં આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકો તેમની હત્યાનું ષડ્યંત્ર કરી રહ્યા છે, આ આરોપમાં શાહનું નામ પણ સામેલ હતું.  ઉલ્લેખનીય છે કે બેનઝીર ભુટ્ટોની હત્યા સમયે એઝાઝ શાહ પાકિસ્તાનના આઈબી પ્રમુખ હતા.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer