ઊકળતાં ક્રૂડ અૉઇલથી શૅરબજાર દાઝ્યું

ઊકળતાં ક્રૂડ અૉઇલથી શૅરબજાર દાઝ્યું
આઈટી સિવાય તમામ ઇન્ડેક્સ તૂટયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : શૅરબજારની ઓવરલોટ સ્થિતિ અગાઉથી હોવાથી આજે વૈશ્વિક બજારમાં ક્રૂડતેલ બેરલદીઠ 74 ડૉલરને આંબતાં બજારમાં અક્રોસ ધ બોર્ડ વેચવાલીનો વંટોળ ફૂંકાયો હતો. એશિયાના મુખ્ય બજારમાં ઘટાડાની અસર અને સ્થાનિકમાં નફાતારવણીથી આજે એનએસઈમાં આઇટી સિવાયનાં તમામ ક્ષેત્રવાર ઇન્ડેક્સ 1થી 2.5 ટકા સુધી ઘટીને બંધ રહેતાં એનએસઈમાં નિફ્ટી 158 પોઇન્ટ ઘટીને 11,594.45 બંધ હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 495 પોઇન્ટના ઘટાડે 38,645 બંધ રહ્યો હતો.
આજના ઘટાડાની આગેવાની લેનાર શૅર્સમાં આઇસીઆઈસીઆઈ બૅન્ક, એક્સીસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક સાથે તમામ ઓએમસી કંપનીઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો ક્ષેત્રના અગ્રણી શૅરો, રિયલ્ટી અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ક્ષેત્ર અને મેટલ શૅરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વ્યક્તિગત શૅરમાં સ્પાઇસ જેટ 19 ટકા તૂટ્યો હતો.
રિલાયન્સ કેપિટલ 10.21 ટકા ઘટયો હતો. અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના રિલાયન્સ કેપિટલને કેર રેટિંગે ડાઉનગ્રેડ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનથી ક્રૂડતેલ નિકાસ સંપૂર્ણ પ્રતિબંધિત કરવાની ધમકી આપતા સ્થાનિકમાં તેલ માર્કેટિંગ શૅર તૂટયા હતા.
આજે શૅર બજાર 11,600ની મહત્વપૂર્ણ ટેકાની સપાટી નીચે બંધ રહ્યું છે. એફએડીઓ એક્સપાયરી તારીખ સામે હોવાથી ચાલુ અઠવાડિયે તીવ્ર વધઘટ રહેવાની બજારપંડિતોએ ધારણા બાંધી છે. જેથી સટ્ટાકીય અને ફંડોની નફાતારવણી વધવાથી આઇટી સિવાયના તમામ ક્ષેત્રવાર મુખ્ય શૅરોમાં ભાવ ઘટયા હતા. એનએસઈમાં નિફ્ટીના મુખ્ય 38 શૅર ઘટવા સામે 11 શૅર થોડા સુધારે હતા.
આજે સામા પ્રવાહે મુખ્ય આઇટી શૅરો ઇન્ફોસીસ રૂા. 4, ટીસીએસ રૂા. 11, ટેક મહિન્દ્રા રૂા. 5 અને વિપ્રોમાં રૂા. 3નો સુધારો હતો. જ્યારે ઘટાડામાં અગ્ર ભાગ લેનાર શેરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 41, એશિયન પેઇન્ટ રૂા. 26, બજાજ અૉટો રૂા. 18, હીરો મોટો કૉર્પ રૂા. 52, મારુતિ રૂા. 126, યસ બૅન્ક રૂા. 17, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 10, કોટક મહિન્દ્રા બૅન્ક રૂા. 13, એચડીએફસી બૅન્ક રૂા. 25, તાતા સ્ટીલ રૂા. 9, હિન્ડાલ્કો રૂા. 7, જેએસડબલ્યુ સ્ટીલ રૂા. 8, બીપીસીએલ રૂા. 23, ગેઇલ રૂા. 7, એચડીએફસી રૂા. 50 અને ઇન્ડિયા બુલ્સમાં રૂા. 67નો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
ટેક્નિકલી કરેકશનમાં હવે 11,570 અને 11,510ની સપોર્ટ સપાટી મહત્વપૂર્ણ બનશે. ઉપરમાં 11,652 અને 11,710ની સપાટી રેસિસ્ટન્ટ ગણાશે.
એશિયાના બજારોમાં નબળાઈ
ઈરાનથી ક્રૂડતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની દહેશતથી ક્રૂડતેલમાં 3.3 ટકાનો મોટો ઉછાળો આવતાં આજે એશિયાના બજાર ઘટયા હતા. એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.3 ટકા, હૉંગકૉંગમાં હેંગસેંગ 161 પોઇન્ટ, શાંઘાઈ કોમ્પોઝીટ ઇન્ડેક્સ 1.3 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા ઘટયો હતો. નિક્કી સ્થિર હતો.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer