શૅરબજાર તૂટતાં સોનામાં રિકવરી

શૅરબજાર તૂટતાં સોનામાં રિકવરી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 : ચાર મહિનાનું તળિયું જોયા પછી સોનામાં રિકવરી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજાર લાંબી રજાઓ પછી ખૂલતાં ન્યૂ યોર્કમાં 1279 ડૉલરના ભાવ રહ્યા હતા. ઇક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકા અને ક્રૂડ તેલની તેજીની અસરે સોનામાં નજીવો સુધારો થયો હતો. ચલણ બજારમાં ડૉલર તેજીમાં હતો પરંતુ શૅર અને ક્રૂડને લીધે સોનાને ઉંચાઇ તરફ જવા બળ મળ્યું હતું.
અમેરિકામાં રિટેઇલ વેચાણ માર્ચ મહિનામાં પાછલા દોઢ વર્ષમાં સૌથી વધારે રહ્યું છે. એ કારણે કદાચ અર્થતંત્રમાં ધારણા પ્રમાણેની મંદી ન થાય તેવી અટકળો વહેતી થઇ હતી. પહેલા ત્રિમાસિકનો આરંભ નબળો થયા પછી બાદમાં સ્થિતિ સુધરી રહી હોવાનું માલૂમ પડી રહ્યું છે. 
શ્રીલંકામાં ગઇકાલે થયેલા બોમ્બ વિસ્ફોટ પછી પણ સોનામાં સલામત રોકાણ માટેની ખરીદીનો પ્રવાહ થોડો વધ્યો હોવાનું એમકેએસ એસએના વિશ્લેષક અફશિન નબાવીનું કહેવું છે. સોનાની પ્રતિકારક સપાટી 1280 ડોલરની છે. એ વટાવાય તો સોનું આગળ જઇ શકે. જોકે ડોલરમાં સુધારો જળવાઇ રહે તો સોનું ફરીથી નીચે આવશે. 1275ની નીચે જાય તો 1260 સુધી ઘટી શકે છે. કોમેક્સ વાયદામાં શોર્ટ પોઝીશનોમાં વધારો થયો છે, એ પણ ઘટાડાના સંકેતો છે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રમાણે રૂા.150ના સુધારામાં રૂા. 32,700 હતો. ન્યૂ યોર્કમાં ચાંદી 
15.02 ડોલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 300ના સુધારામાં રૂા. 38,100 હતી.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer