કેસોના ઝડપી નિકાલ માટે આઈબીસીમાં મધ્યસ્થની જોગવાઈ થશે

કેસોના ઝડપી નિકાલ માટે આઈબીસીમાં મધ્યસ્થની જોગવાઈ થશે
રિઝોલ્યુશન પ્રોફેશનલ સામે હવે એનસીએલટીના બદલે આઈબીબીઆઈ પગલાં લેશે
નવી દિલ્હી, તા.22 : ખર્ચમાં ઘટાડો કરવા માટે અને કેસોના ઝડપી નિરાકરણ કરવા માટે મધ્યસ્થની જોગવાઈ લાવવા માટે સરકાર ઈનસોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)માં ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આઈબીસીમાં સમીક્ષા કરીને પ્રી-પેકેજ્ડ રિઝોલ્યુશનનું માળખું તૈયાર કરવા આવશે અને આર્ટિફિશિયલ ઈન્ટલીજન્સ (એઆઈ)નો પણ ઉપયોગ કરવામાં આવશે. 
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં કેસ સુપરત થયા પછી રિઝોલ્યુશન માટે 180 દિવસનો સમય આપવામાં આવે છે, તેમ જ વધારાના 90 દિવસ પણ પ્રદાન કરવામાં આવે છે. જોકે, આ સમયગાળાનો ચુસ્તપણે અમલ થતો નથી. દાખલા તરીકે, એસ્સાર સ્ટીલનો કેસ એનસીએલટીમાં સુપરત થયા બાદ 600 દિવસથી પણ વધુ સમય થયો પણ તેનો નિવેડો આવ્યો નથી. આ કેસ હવે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)માં છે. 
તેમ જ કેસ લેવો કે નકારવો એ નક્કી કરવા માટે એનસીએલટીને એક મહિનાનો સમય લાગે છે. આ બધી ત્રુટીઓને દૂર કરવા માટે સરકાર મધ્યસ્થ મૂકવાની યંત્રણા અમલમાં મૂકવા માગે છે, અત્યારે અમેરિકામાં આવી વ્યવસ્થા છે. ઈનસોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ અૉફ ઇન્ડિયા (આઈબીબીઆઈ)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કોર્પોરેટ નાદારીમાં સમયગાળો કામ કરે છે? ખર્ચ ઘટાડી શકાય? આ પ્રશ્નોના ઉત્તર અમે શોધી રહ્યા છે. મેડિએશન અંતર્ગત વાતચીત કરીને મતભેદોનો ઉકેલ લવાય છે. સેટલમેન્ટ માટેના વિકલ્પો વધારવામાં આવી રહ્યા છે અને સેટલમેન્ટ સંયુક્ત મૂલ્યાંકન દ્વારા પણ થઈ શકે છે.
દરમિયાન, જો રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) સામે પગલાં લેવાના હોય તો હવે એનસીએલટીની બદલે આઈબીબીઆઈ એકમાત્ર સત્તા બનશે, એમ એનસીએલએટીએ સ્પષ્ટ કર્યું હતું. આમ જે નિષ્ણાતો આ પ્રોફેશનમાં કારર્કિદી ઘડવા માગતા હોય તેમને માટે આ પ્રોત્સાહન સમાચાર છે, જેથી તેઓ બેડ લોન્સ સામે લડત કરી શકે. ઉપરાંત આરપી સામેના ખોટા આક્ષેપો નાબૂદ થશે તેથી કોર્પોરેટ્સમાં થતો વિલંબ નિવારી શકાશે. 
ન્યાયાધીશ એસ જે મુખોપાધ્યાય અને એઆઈએસ ચીમાએ તેમના આદેશમાં કહ્યું કે, જો રિઝોલ્યુશ પ્રોફેશનલ તરફથી કોઈ ભૂલ થાય તો તેના સામે કાયદેસર પગલાં એનસીએલટીની બદલે આઈબીબીઆઈ લેશે.
આરપીની સ્પષ્ટતા મેળવીને પગલાં લેવા માટે આઈબીબીઆઈ મુખ્ય અને અધિકૃત સત્તા છે. આઈબીબીઆઈએ તાજેતરમાં જ ઈનસોલવન્સી પ્રોફેશનલ્સ માટે એક કોર્સ રજૂ કર્યો છે, જેથી આ ક્ષેત્રે પ્રોફેશનલ્સની સંખ્યા વધે.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer