વેપાર કરવો હવે વધુ સરળ બનશે : નવા રજિસ્ટ્રેશન માટે માત્ર ત્રણ દિવસનો સમય લાગશે

વેપાર કરવો હવે વધુ સરળ બનશે : નવા રજિસ્ટ્રેશન માટે માત્ર ત્રણ દિવસનો સમય લાગશે
પેન, ટેન અને જીએસટીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને સિંગલ ક્લિયરન્સ હેઠળ થશે
મુંબઈ, તા. 22: વેપાર કરવા માટે સાનુકૂળ વાતાવરણ ધરાવતા દેશોની વૈશ્વિક યાદીમાં ટૉચના 50 રાષ્ટ્રોમાં સ્થાન મેળવવા માટે કેન્દ્ર સરકારે એક યોજના બનાવી છે, જેમાં, નવી કંપનીના રજિસ્ટ્રેશન માટે આવશ્યક પર્મેનન્ટ એકાઉન્ટ નંબર(પેન નંબર), ટૅક્સ એકાઉન્ટ નંબર (ટેન નંબર), ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) અને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન(ઇએસઆઇએસ)નું રજિસ્ટેશન માત્ર ત્રણ દિવસમાં સિંગલ ક્લિયરન્સ સિસ્ટમ હેઠળ કરવામાં આવશે. 
વિશ્વના ટૉચના 50 દેશોની યાદીમાં સ્થાન મેળવવા માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન અૉફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) ભારતના ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસના હાલના 77માં ક્રમાંકને 27 અંક સુધારી ટૉચના 50 અંકમાં સ્થાન અપાવવા માટે નવા પગલાં લઇ રહી છે. 
હાલમાં અનામતના નામે અમુક સમસ્યા નડી રહી છે અને તેને ઉકેલવા માટે કોર્પોરેટ મંત્રાલય કામ કરી રહ્યું હોવાનુ ંએક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 
ક્યારેક અન્ય વિભાગ અથવા મંત્રાલયમાંથી મંજૂરી મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે અને તે કારણે વિલંબ થાય , હવે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.
એચટીએમએલ ફોર્મેટમાં આ સરળ પ્રક્રિયા કરવાનું સૂચન થયું છે જેનાથી તમામ સેન્ટ્રલ એજન્સીઓ સાથે સૂચિત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળતાથી એક સાથે થશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ બને તે માટે ડિજિટલ સિગ્નેચરના સ્થાને અૉથેન્ટિકેશનનો વિકલ્પ પણ નક્કી કરવામાં આવ્યો છે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું. 
ગયા વર્ષના અૉક્ટોબર માસમાં વિશ્વ બૅન્કના ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારતનું સ્થાન 23 અંક સુધરી 77મા ક્રમે આવ્યું હતું. વેપારને સરળ બનાવવા માટે સરકાર દ્વારા પાછલા બે વર્ષમાં લેવામાં આવેલા વિશેષ પગલાંના કારણે દેશનો આ રેન્કિંગમાં 53 અંકનો સુધારો થયો હતો.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer