રહાણેની ધમાકેદાર સદી સાથે સાથે રાજસ્થાને બનાવ્યા 191 રન

રહાણેની ધમાકેદાર સદી સાથે સાથે રાજસ્થાને બનાવ્યા 191 રન
જયપુર, તા. 22?: અત્રે સવાઈ માધોસિંઘ સ્ટેડિયમમાં આઈપીએલની મૅચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી રાજસ્થાન રોયલ્સે સુકાની પદની જવાબદારીનો ભાર ઉતરતાં ખિલ્યો હોય તેમ અજિંકય રહાણેએ ફટકારેલી શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 191 રનનો પડકારરૂપ સ્કોર ખડકી નાખ્યો હતો. સંજુ સેમસન ખાતું ખોલ્યા વિના રન આઉટ થઇ જતાં રાજસ્થાને માત્ર પાંચ રનમાં પહેલી વિકેટ ખોઇ દીધા પછી છેલ્લા દડા સુધી ક્રીઝ પર અણનમ ટકી રહેલા આજિંકય રહાણેએ વિસ્ફોટક સદી ફટકારીને હરીફ દિલ્હી ટીમની છાવણીમાં સોપો પાડી દીધો હતો.
રહાણેએ રંગ રાખતાં માત્ર 63 દડામાં 11 ચોગ્ગા અને ત્રણ સણસણતા છગ્ગા સાથે 105 રન ફટકારી દીધા હતા. અને ક્રિકેટ રસિકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું.
સામા છેડે અર્ધસદી ફટકારીને સાથ આપનારા સુકાની સ્ટિવ સ્મિથે 32 દડામાં 8 ચોગ્ગા સાથે 50 રન કર્યા હતા. પછી પટેલના દડામાં મોરિસને કેચ આપી બેસતાં વિકેટ ખોઇ બેઠો હતો.
સ્ટુઅર્ટ બિન્નીએ 13 દડામાં બે ચોગ્ગા સાથે 19 રન કર્યા હતા. રાજસ્થાને છેલ્લી પાંચ ઓવરમાં 4 વિકેટ ખોઇ દીધી હતી.
દિલ્હી તરફથી રોયલ્સની બિન્ની અને પરાગનાં રૂપમાં છેલ્લી બે વિકેટ લેનારા રબાડાએ દાવના છેલ્લા દડે પરાગની વિકેટ લીધી હતી.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer