વૃક્ષની છટણી માટે પણ પાલિકા પાસેથી પરવાનગી લેવાનું જરૂરી

મુંબઈ, તા. 22 : સાર્વજનિક સ્થળોએ જે વૃક્ષ છે તેની સંભાળ પાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે સોસાયટી, સરકારી- અર્ધ સરકારી સંસ્થા, ખાનગી જગ્યામાં હોય તેવા વૃક્ષોની દેખરેખ રાખવાની જવાબદારી સંબંધિત માલિકોની કે વપરાશકર્તાની છે. એટલે ચોમાસામાં વૃક્ષ કે વૃક્ષની ડાળીઓ પડીને કોઈ જાનહાની કે દુર્ઘટના ન થાય તે માટે સંબંધિત વોર્ડની પૂર્વ પરવાનગી લઈને પોતાના વિસ્તારના વૃક્ષોની ડાળીઓની છટણી કરવાની અપીલ કરાઈ છે. 
ચોમાસામાં ઝાડ અને ઝાડની ડાળીઓ પડીને દુર્ઘટના સર્જાય છે. આ પાર્શ્વભૂમિ પર ઉપનગરના એડિશનલ કમિશનર વિજય સિંઘલના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પાલિકાના ઉદ્યાન વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા પહેલા ઝાડની ડાળીઓની છટણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર (નાગરી ક્ષેત્ર) ઝાડનું સંરક્ષણ અને અધિનિયમ 1975 મુજબ, પાલિકા ક્ષેત્રમાં આવેલા ઝાડોની છટણી કરવા, જોખમી કે કરમાઈ ગયેલા ઝાડો કાપી નાખવા માટે પાલિકાની પરવાનગી લેવી જરૂરી છે. છટણી બાદ ઝાડની તોડેલી દાંડીઓ અને બીજા કચરાનો નિકાલ કરવાની જવાબદારી સંબંધિતોની છે. પાલિકાએ નિયુક્ત કરેલા કોન્ટ્રેક્ટરો દ્વારા છટણી કરવામાં આવે તો કચરાનો નિકાલ તેઓ જ કરશે. કોન્ટ્રેક્ટરો દ્વારા ઝાડની છટણી થઈ ગયા બાદ પાલિકાએ નિશ્ચિત કરેલ શુલ્ક પાલિકાના વિભાગ કાર્યાલયમાં જમા કરાવ્યા બાદ સાત દિવસમાં ઝાડની છટણી પ્રક્રિયા કરવામાં આવે છે.  
મુંબઈમાં 2018 માં કરવામાં આવેલી વૃક્ષ ગણના મુજબ 29,75,283 ઝાડ છે, જેમાંથી 15,63,701 વૃક્ષો ખાનગી અને 11,25,182 વૃક્ષો સરકારી પરિસરમાં છે. જ્યારે 1,85,333 વૃક્ષ રસ્તાની બાજુમાં અને 1,01,067 વૃક્ષો વિવિધ ઉદ્યાનોમાં આવેલા છે.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer