ઍમ્બ્યુલન્સના ડ્રાઈવરો માટે બનાવટી લાઈસન્સ બનાવવાનું રેકેટ પકડાયું

મુંબઈ, તા. 22 : ઍમ્બ્યુલન્સ ચાલકો દર્દીઓના જીવ સાથે રમત રમતા હોવાની વાત બહાર આવી છે. બાન્દરા ટ્રાફિક પોલીસે એક ઍમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરીને તેની પાસેથી છ બનાવટી ડ્રાઈવિંગ લાઈસન્સ જપ્ત કર્યા છે. આ ચાલક એજન્ટ તરીકે કામ કરતો હોવાનું અને ઓળખીતા ઍમ્બ્યુલન્સ ચાલકોને બનાવટી લાઈસન્સ મેળવી આપતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. 
બાન્દરા ટ્રાફિક વિભાગના પોલીસ ઈન્સપેક્ટર નીતિન પાટીલે ટ્રાફિકનું નિયમન કરવા માટે કોનસ્ટેબલ મહેન્દ્ર દરેકરની નિમણૂક માહિમ કૉઝવેમાં કરી હતી. તાજેતરમાં દરેકરે ટ્રાફિકનું નિયમન કરી રહ્યાં હતાં, ત્યારે બપોરે બે વાગ્યાની આસપાસ એક ઍમ્બ્યુલન્સ કે.સી,માર્ગથી એસ.વી.રોડ ની દિશામાં સિગ્નલ તોડીને ગઈ હતી. ઍમ્બ્યુલન્સમાં દર્દી નહોતો એટલે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો કહેવાય એટલે દરેકરે ઍમ્બ્યુલન્સ ચાલકને થોભવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે દુર્લક્ષ કરીને ઍમ્બ્યુલન્સ આગળ દોડાવી હતી. દરેકરે તાત્કાલિક આગળ ઊભેલા ટ્રાફિક પોલીસને જણાવ્યું હતું અને તેમણે ઍમ્બ્યુલન્સ રોકી હતી. પોલીસે તેનું લાઈસન્સ માગ્યું હતું. લાઈસન્સ પરના ફોટા અને ચાલકના ચહેરમાં ફરક દેખાયો હતો. પોલીસે ચાલકને ધમકાવતા તેણે સાચું નામ મનોજકુમાર અને બાન્દરામાં રહેતા કરીમ પાસે લાઈસન્સ બનાવડાવ્યું હોવાનુ કહ્યું હતું. તેની પાસેથી વધુ પાંચ લાઈસન્સ મળી આવ્યા હતા. આ બધા જ લાઈસન્સ ઓળખીતા ચાલકો માટે બનાવડાવ્યા હોવાનું તેણે કહ્યું હતું. ટ્રાફિક પોલીસે આ બાબતે બાન્દરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ માટે મનોજકુમારને બાન્દરા પોલીસને સોપવામાં આવ્યો છે. મનોજકુમાર ઓછા રૂપિયામાં કરીમ પાસે લાઈસન્સ બનાવીને પોતાનું કમિશન કાઢીને ગરજુ ઍમ્બ્યુલન્સ ચાલકોને 7000થી 8000 રૂપિયામાં લાઈસન્સ વેચતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer