મોદી સરકારનાં વિકાસનાં કામો અને મહાયુતિના મજબૂત સંગઠનને લીધે મારો વિજય નિશ્ચિત : મનોજ કોટક

મુંબઈ, તા. 22 : ઈશાનમુંબઈમાં શિવસેનાના વિરોધને લીધે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડીએ વિદ્યમાન સંસદસભ્ય કિરીટ સોમૈયાની ટિકિટ કાપીને પાલિકાના પક્ષના ગટનેતા મનોજ કોટકને ઉમેદવારી આપી હતી. 
મનોજ કોટકની સંવાદદાતાએ મુલાકાત લીધી ત્યારે તેઓ આત્મવિશ્વાસથી થનગને છે. 
શું તમારું નામ મોડું જાહેર કરાયું એટલે તમને સમય ઓછો મળ્યો છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે ના, એવું કંઈ નથી. મારું નામ ન જાહેર કરાયું હોવા છતાં અમારા પક્ષે હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાની આગેવાનીમાં પ્રચાર કરવાનો ચાલુ કરી દીધો હતો. ઈશાનમુંબઈને લાગેવળે છે ત્યાં સુધી અહીં અમારું, શિવસેના અને રિપબ્લિકન પાર્ટીનું મજબૂત સંગઠન છે. હું તો 17 વર્ષની વયે રાજકારણમાં પ્રવેશ્યો છું અને 30 વર્ષથી પક્ષ માટે કાર્ય કરી રહ્યો છું. મેં પક્ષ વતી અનેક લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કર્યો છે. હું સતત ત્રણ મુદતથી પાલિકામાં નગરસેવક છું. 
ગઈ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ભાજપ-શિવસેનાને ટેકો જાહેર કર્યો હતો. 2009માં મનસેના શિષિર શિંદેએ 1.95 લાખ મત મેળવતાં ભાજપના કિરીટ સોમૈયાની હાર થઈ હતી. આ વખતે રાજ ઠકારેએ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસની આગાડીને ટેકો જાહેર કરતાં  શું તમારા માટે કપરાં ચડાણ હશે એવા સવાલના જવાબમાં મનોજભાઈએઁ કહ્યું હતું કે મોદી સરકારનાં પાંચ વર્ષના અને રાજ્યમાં દેવેન્ન્દ્ર ફડણવીસ સરકારનાં સાડા ચાર વર્ષના પર્ફોર્મન્સને લીધે મારા વિજય વિશે કોઈ શંકા નથી. અમારા મતદાર ક્ષેત્રમાં છમાંથી પાંચ વિધાનસભ્યો ભાજપ-શિવસેનાના છે. 38માંથી 28 નગરસેવકો યુતિના છે. હકીકતમાં મારા હરીફોએ વિચારવું જોઈએ કે તેઓ શા માટે લડી 
રહ્યા છે. 
 ઈશાનમુંબઈના મતદાર ક્ષેત્રના પ્રશ્નો અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે અમારી સરકાર રાષ્ટ્ર ઘડતરના કામમાં લાગેલી છે. આ લોકસભાની ચૂંટણી હોવાથી અમે રાષ્ટ્રીય સુરક્ષા અને બીજા રાષ્ટ્રીય મુદ્દા પર ફોકસ કરી રહ્યા છીએ. લોકોની ઈચ્છા છે કે મોદી ફરી વડા પ્રધાન બને. સ્થાનિક મુદ્દાને લાગેવળગે છે ત્યાં સુધી ગોરેગામ-મુલુન્ડ લિન્ક રોડની પરવાનગી અને ડમ્પિંગ ગ્રાઉન્ડના મુદ્દે હું કેન્દ્ર પાસેથી મંજૂરી લઈ આવીશ. મારા પુરોગામી કિરીટ સોમૈયાએ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું કામ કર્યું છે. હું સંસદસભ્ય તરીકે બાકીનાં કાર્યો પૂરાં કરીશ. 
તમારા વિરાધીઓ કહે છે કે તમારી પહોંચ મુલુન્ડ સુધી સીમિત છે એવા સવાલના જવાબમાં હું સાડા ચાર વર્ષથી પાલિકામાં ભાજપનો ગ્રુપ લીડર છું, આથી મને શહેરની સમસ્યાઓની સારી જાણકારી છે. હું મારા હરીફને તેમણે લોકોના કલ્યાણ માટે કરેલાં પાંચ કાર્યો બતાડે એવો પડકાર ફેંકું છું. 
તમે પ્રથમ વાર મતદાન કરી રહેલા વોટરને શું સંદેશો આપશો એવા સવાલના જવાબમાં મનોજભાઈએ કહ્યું હતું કે હું આ મતદાતાઓને કહેવા માગું છું કે મોદી દેશ બદલી રહ્યા છે અને તેમને આ યજ્ઞમાં સહભાગી થવાનો સોનેરો અવસર છે.મોદી સરકારે કરેલો વિકાસ અને સરકારે સર્જેલા રોજગારને લીધે ભાજપ સારી પસંદગી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer