વડાપ્રધાન મોદી રાણીપમાં, અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.22: ગુજરાતમા 26 લોકસભા બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે તા.23મી એપ્રિલના રોજ મતદાન થશે. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી , કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી  જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્ને ગુજરાતના મતદાતા હોવાથી તેમના મતદાન કેન્દ્રો પર વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન મોદી આવતીકાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નિશાન હાઇસ્કુલ, રૂમ નં.3 ખાતે સવારે 7-30 વાગ્યે મતદાન કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે 9 વાગ્યે નારણપુરા સબ ઝોનલ ઓફિસ  ખાતે મતદાન કરશે. ગાંધીનગરના સાસંદ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીજી સવારે 11-15 કલાકે શાહપુર હિન્દી સુકલ નં.1-2, ભરડીયાવાસ, ખાનપુર ખાતે મતદાન કરશે. તો કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી સવારે 9-30 વાગ્યે ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટયુટ, એસ.જી.હાઇવે ખાતે મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે સવારે 7-30 વાગ્યે મતદાન કરશે. 
ભાજપના અન્ય નેતાઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા રાજકોટના મતદાતા હોવાથી બન્ને રાજકોટ ખાતે મતદાન કરશે. વજુભાઇ વાળા બપોરે 2 વાગ્યે રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે મતદાન કરશે જ્યારે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સવારે 8 વાગ્યે  રૈયારોડ ઉપર આવેલ અનિલ જ્ઞાનમંદિર ખાતે મતદાન કરશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ કડીની સંસ્કાર ભારતી શાળા- બ્રાહ્મણની વાડી માં સવારે 10 વાગ્યે મતદાન કરશે. તો ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સવારે 8-30 વાગ્યે ભાવનગરમાં સરકારી કુમાર છાત્રાલય ખાતે મતદાન કરશે. આ સાથે કેન્દ્રિય પ્રધાન પુરસોત્તમ રૂપાલા વારે 7 વાગ્યે અમરેલીમાં ઇશ્વરીયા પ્રાથમિક શાળા ખાતે તેમજ કેન્દ્રિય પ્રધાન મનસુખભાઇ માંડવીયા સવારે 10 વાગ્યે ભાવનગરમાં પાલિતાણા તાલુકાના હણોલ ખાતે મતદાન કરશે. 
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વયોવૃદ્ધ માતા હિરાબા, પરિવાર સાથે રાયસણમાં પંચાયત ઓફિસ ખાતે બુથ નંબર-3માં  સવારે 8 વાગ્યે મતદાન કરવા માટે જશે.  અહીં નોંધવું ઘટે કે, વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં નંદુબાર ખાતે સભા સંબોધી  વડોદરા અને ત્યાંથી રાજસ્થાનના ઉદેપુરમાં સભા સંબોધ્યા બાદ સાંજે અમદાવાદ આવી પહોંચશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. વડાપ્રધાનના આગમનના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી આવતીકાલે 23 એપ્રિલે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરનાર હોવાથી મતદાનમથક ખાતે આજે સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી મતદાન કર્યા બાદ સીધા એરપોર્ટ જવા રવાના થશે અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે.
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer