અમેરિકાએ ઇરાનના ક્રુડની આયાતના પ્રતિબંધની મુકિત રદ કરતા ક્રુડ તેલમાં ભડકો : બેરલના 74.30 ડોલર : ભારતને પણ અસર

વોશિંગ્ટન તા.22 : અમેરિકા હવે ટૂંક સમયમાં એવી જાહેરાત કરવા જઇ રહ્યું છે કે ઇરાનનું ક્રુડ ઓઇલ ખરીદનારા તમામે હવે આ ક્રુડ ઓઇલની આયાત બંધ કરવી પડશે અથવા તો પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમેરિકાની આ જાહેરાતના પગલે પગલે ક્રુડ ઓઇલના ભાવોમાં ત્રણ ટકાનો વધારો થયો હતો.
માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે અમેરિકાએ જે દેશોને ઇરાનનું ક્રુડ ઓઇલ આયાત કરવા માટે પ્રતિબંધમાંથી મુકિત આપી હતી તે મુકિત હવે તે પાછી ખેંચી રહ્યું છે. અમેરિકાના આ નિર્ણયને પગલે પગલે એશિયાની શેર બજારોમાં બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવિ સોદા 3.2 ટકા વધીને બેરલ દીઠ 74.30 ડોલર કવોટ થયા હતા.
ક્રુડ ઓઇલનો સપ્લાય ચુસ્ત થયાના ભયના પગલે પગલે ક્રુડના ફયુચર સોદા ઉંચા ગયા હતા. યુ.એસ. વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડીએટ ફયુચર તો 2.9 ટકા વધી બેરલ દીઠ રૂ.65.97નો 30 ઓકટોબર પછી સૌથી ઉંચો ભાવ નોંધાયો હતો.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નેશનલ સિકયોરીટી ટીમ સાથે એ બાબતમાં બહુ સ્પષ્ટ હતા કે તેઓ ઇરાનના ક્રુડના આયાતકારોને અપાયેલી મુકિત રદ કરવા માટે મક્કમ છે અને નેશનલ સિકયોરીટી એડવાઇઝર જોહન બોલ્ટન આ મુદા ઉપર કેટલાક સમયથી કામ કરી રહેલ હતા.
નવેમ્બર માસમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન અને અન્ય છ દેશો સામેની અણુ સમજૂતિમાંથી 2015માં એકપક્ષીય રીતે નીકળી ગયા પછી તેમણે ઇરાનના ક્રુડની આયાત ઉપર પ્રતિબંધ લાદ્યો હતો.
આમ છતાં અમેરિકાએ ઇરાનના ક્રુડ ઓઇલના મુખ્ય આઠ આયાતકાર દેશોને છ મહીના માટે આ ક્રુડની ખરીદીના પ્રતિબંધમાંથી મુકિત આપી હતી. આ દેશોમાં ચીન, જાપાન, ભારત, સાઉથ કોરિયા, તાઇવાન, ટર્કી, ઇટલી અને ગ્રીસનો સમાવેશ થાય છે. આજે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોએ જાહેરાત કરી હતી કે એ કોઇ દેશને પ્રતિબંધમાંથી મુકિત નહીં મળે. અમેરિકાનું લક્ષ્ય ઇરાનની ક્રુડની નિકાસ સંપૂર્ણપણે બંધ થાય તે છે.
આ પ્રતિબંધની મુકિત દૂર થતાં સૌથી વધુ એશિયાના બાયરોને થશે જેમાં ઇરાનના ક્રુડના સૌથી મોટા આયાતકાર ભારત અને ચીન છે અને તેઓ આ મુકિત લંબાવવા પ્રયાસ કરી રહ્યા હતા. સાઉથ કોરીયા પણ ઇરાનના અલ્ટ્રા લાઇટ ઓઇલનું મોટુ આયાતકાર છે. ટર્કી પણ આ પ્રતિબંધની મુકિત લંબાય તેમ ઇચ્છે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer