પાકિસ્તાને પણ અણુબૉમ્બ ઈદ માટે નથી રાખ્યો : મહેબૂબા

શ્રીનગર, તા. 22 : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની ટિકા કરી છે. જેમાં તેઓએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો. મોદીના નિવેદન ઉપર પલટવાર કરતા મુફ્તીએ પાક. પ્રેમ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે, જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો તો પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બને ઈદ માટે નથી રાખ્યો.  આ દરમિયાન મહેબૂબાએ પીએમ મોદીના ચૂંટણીના ભાષણના સ્તરને લઈને નરાજગી પણ વ્યક્ત કરી હતી.
રાજસ્થાનના બાડમેરની ચૂંટણી સભામાં લોકોને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે, ભારતે ધમકીઓથી ડરવાની નીતિ છોડી દીધી છે અને પરમાણુ બોમ્બ ભારતે દિવાળી માટે નથી રાખ્યો. પીએમના આ નિવેદન ઉપર જવાબ આપતા પીડીપી પ્રમુખે પાકિસ્તાન પ્રેમ જાહેર કરતા હોય તેમ કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ ઈદ માટે નથી. વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી આટલા નિચા સ્તરે નિવેદનબાજી કેમ કરે છે તે સમજાય રહ્યું નથી.  મુફ્તિએ આરોપ મુક્યો હતો કે પીએમએ રાજનીતિક ચર્ચાના સ્તરને ઘટાડવાનું કામ કર્યું છે.    
 
 
 
 
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer