રાહુલ ગાંધીને દેશ ક્યારેય માફ નહીં કરે : દેવેન્દ્ર ફડણવીસ

દિંડોરી/નંદુરબાર, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચોકીદાર છે એમ અમે કહેતા હતા. ત્યારે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી દેશભરમાં કહેતા હતા કે ચૌકીદાર ચોર છે. જોકે પોતે આ બાબત ઉત્સાહમાં બોલ્યા હતા એમ રાહુલ ગાંધીએ આજે સર્વોચ્ચ અદાલતમાં કહીને માફી માગી છે. સર્વોચ્ચ અદાલત તેઓને માફ કરશે કે નહીં તે આગામી સમયમાં નક્કી થશે. જોકે દેશ તેઓને ક્યારેય માફ નહીં કરે એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નંદુરબારમાં જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ દિંડોરી અને નંદુરબાર એ બંને સ્થળોએ જાહેરસભાને સંબોધન કર્યું હતું. દિંડોરીની સભામાં મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની પડખે દેશવાસીઓ આજે મક્કમતાથી ઊભા છે. નારપાર નદી જોડવાના પ્રકલ્પ મારફતે આ વિસ્તારોને 17 બંધમાંથી પાણી મળવાનું છે. 10,800 કરોડ રૂપિયાનો આ પ્રકલ્પ છે. જોકે વિરોધીઓ હેતુપૂર્વક અને જાણીબૂઝીને ખોટો પ્રચાર કરી રહ્યા છે. માત્ર નાશિક જિલ્લામાં ખેડૂતોને દેવાંમાફી અને સીધી મદદ વડે 2028 કરોડ રૂપિયા મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 35,000 ઘરો પ્રાપ્ત થયાં છે. વધુ 50,000 ઘરો આપવામાં આવશે. 8000 શેતતળે આ જિલ્લામાં છે. 648 ગામોમાં જળયુક્ત શિવારનાં કામ થયાં છે. રસ્તા માટે 3500 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. કાંદા ઉત્પાદકોને 200 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાને નંદુરબારમાં યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે પ્રત્યેક આદિવાસી બંધારણે આપેલા મૂળભૂત અધિકારને લીધે સુરક્ષિત છે. ડૉ. આંબેડકરે બંધારણમાં આપેલા આરક્ષણ અને અન્ય સુવિધા કોઈ પણ પાછી ખેંચી શકે નહીં. મોદી વડા પ્રધાન પદે છે ત્યારે આદિવાસીઓનાં હિતોને લગીર પણ આંચકો આપી શકે એમ નથી. વડા પ્રધાન મોદીએ અતિશય કઠોર પરિશ્રમ કરીને પ્રત્યેક ગરીબને ઘર, શૌચાલય અને વીજ જોડાણ અપાવ્યા છે. માત્ર નંદુરબાર જિલ્લામાં 1.25 લાખ ઘરોમાં વીજળીને લીધે પ્રકાશ પથરાયો છે. આ વિસ્તારનાં ગામડાં માટે મોટા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવી રહ્યાં છે. માત્ર આ જિલ્લામાં જ 40,000 જણને વનપટ્ટા આપવામાં આવ્યા છે. સુલવાડે-જામફળ યોજના માટે 2000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે ગરીબ અને જરૂરિયાતમંદોને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું હતું.
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer