અરવિંદ સાવંત 13 કેસોની વિગત જાહેર કરે : મિલિન્દ દેવરા

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : દક્ષિણ મુંબઈ લોકસભા ક્ષેત્રમાં શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંત વિરુદ્ધના ફોજદારી કેસોનો ઉલ્લેખ કરીને કૉંગ્રેસના ઉમેદવાર મિલિન્દ દેવરાએ મતદારોને પૂછયું છે કે શું તેઓ આ પ્રકારની પાર્શ્વભૂમિ ધરાવતા નેતાને પોતાના લોકપ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢવાનું પસંદ કરશે.
અરવિંદ સાવંતે ચૂંટણી પંચ સમક્ષ નોંધાવેલી એફિડેવિટનો ઉલ્લેખ કરીને મિલિન્દ દેવરાએ જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈ લોકસભા ક્ષેત્રમાં હરીફ ઉમેદવાર સાવંત ઉપર 13 જેટલા ફોજદારી ગુના નોંધાયેલા છે. આ કેસો પાછા ખેંચી લેવા માટે તેમણે મહારાષ્ટ્ર સરકાર ઉપર પોતાની વગનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે કેમ તેની સ્પષ્ટતા કરવી જોઈએ.
નિવેદનમાં દેવરાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ મુંબઈના લોકોએ નક્કી કરવાનું છે કે જેને કાયદા માટે સન્માન નથી અને જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવી વ્યક્તિ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ કરશે. શું આ વ્યક્તિ સામાજિક રીતે જવાબદાર અને આર્થિક રીતે પ્રતિષ્ઠિત દક્ષિણ મુંબઈ મતદાર સંઘના પ્રતિનિધિ તરીકે લોકસભામાં કાયદા ઘડનાર તરીકે બેસી શકે? એવો પ્રશ્ન દેવરાએ પૂછયો હતો.
દેવરાએ બાદમાં ટ્વીટર ઉપર આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા લોકપ્રિતિનિધિઓ વિરુદ્ધના કેસો ચલાવવા સ્થાપેલી ફાસ્ટટ્રેક કોર્ટની 16 સુનાવણીમાં અરવિંદ સાવંત ગેરહાજર રહ્યા હતા. આ પ્રકારે વિલંબ કરીને તેઓ સરકાર ઉપર કેસો પાછા ખેંચવા માટે દબાણ લાવવા માગતા હતા? ચૂંટણી પંચે ઉમેદવારો માટે તેઓ વિરુદ્ધના ગુનાહિત રેકર્ડની વિગતો ત્રણ અખબારોમાં પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે, તેથી સાવંતે આ મતલબની જાહેરખબરો આપવી જોઈએ અને ચૂંટણી પંચના નિયમોને માન આપવું જોઈએ, એમ દેવરાએ ઉમેર્યું હતું.
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer