હું વંશવાદની વાત કરું છું તો કોઈકને કરંટ લાગે છે : નરેન્દ્ર મોદીએ શરદ પવારનું નામ લીધા વગર માર્યો ટોણો

અમારા પ્રતિનિધિ તરફથી
નાશિક, તા. 22 : લોકસભાની ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ શરદ પવાર વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. સોમવારે નાશિક પાસેની જનસભામાં પણ નરેન્દ્ર મોદીએ શરદ પવારને નિશાન બનાવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારનું નામ લીધા વગર કહ્યું હતું કે મતદાનના બે તબક્કા પૂરા થયા છે અને એમાં તો વિપક્ષના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હું વંશવાદ અને ભ્રષ્ટાચારની વાત કરું તો ઘણાને કરંટ લાગે છે અને મને ગાળો ભાંડવાની શરૂઆત કરે છે.
મોદીએ ભાષણમાં શ્રીલંકામાં થયેલા શ્રેણીબંધ બૉમ્બબ્લાસ્ટનો પણ ઉલ્લેખ કરી મનમોહન સિંઘની સરકારને ટાર્ગેટ કરી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે પહેલા આ પ્રકારના વિસ્ફોટ ભારતમાં પણ થતા હતા, પણ હવે ભારત સામે ઊંચી નજરે જોનારને સો વાર વિચાર કરવો પડે છે. 2014 પહેલાં દેશમાં શું પરિસ્થિતિ હતી. દેશમાં ઠેકઠેકાણે બૉમ્બવિસ્ફોટ થતા હતા. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ માત્ર શોકસભા યોજતા હતા અને પાકિસ્તાન પર આક્ષેપબાજી કરતા હતા. આતંકવાદીઓને ખબર પડી ગઈ છે કે ભારતમાં બૉમ્બસ્ફોટ કર્યા તો આ મોદી છે. આતંકવાદી અને તેમના આકાઓને પાતાળમાંથી શોધીને ઠાર મારશે. દેશની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાન ચોકીદારના હાથમાં છે. ચૂંટણીમાં કમળના ચિહ્ન સામેના બટનને દાબીને ચોકીદારના હાથને તમારે મજબૂત કરવાના છે. મારી સરકાર ફરી સત્તા પર આવશે તો મહારાષ્ટ્રમાં સર્વ ખેડૂતોને ખેડૂત સન્માન નિધિ યોજનાનો લાભ મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નંદુરબારમાં પણ સોમવારે સભાને સંબોધી હતી અને નંદુરબારને શહીદોની ભૂમિ ગણાવી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નંદુરબાર શહીદોની ભૂમિ છે, પણ કૉંગ્રેસ શહીદોના નામે પણ રાજકારણ કરી રહી છે. અમે રેલવે અને હાઇવેથી રાજ્યના આ દુર્ગમ ભાગને જોડયો છે. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતને હાથ લગાડશે નહીં અને આદિવાસીઓની જમીન સુરક્ષિત રહેશે.
તેમણે કહ્યું હતું કે ચાવાળાએ દેશને કડકપણે ચલાવ્યો અને ભવિષ્યમાં પણ ચલાવશે. શેરડીમાંથી ઇથેનોલ તૈયાર કરવાનું કારખાનું શરૂ કરવું છે. શેરડીને સારો ભાવ મળે એ પાછળનો આ ઉદ્દેશ્ય છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer