પાકિસ્તાન સંદર્ભમાં કૉંગ્રેસ ભારત પાસેથી કેવું પરિવર્તન ઇચ્છે છે? : ભાજપનો સવાલ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : ભાજપે આજે કૉંગ્રેસને એવો સવાલ કર્યો હતો કે, પાકિસ્તાન વિષે તે ભારત તરફથી કેવું પરિવર્તન ઇચ્છે છે? શું આતંકવાદીઓ આતંક ફેલાવતા રહે અને ભારત તેની સાથે વાતચીત કરે? શું આપણે આપણી સરહદ સાથે સમાધાન કરીએ?
ભાજપના નેતા અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે આજે પક્ષના મુખ્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના નિવેદન પર ટિપ્પણી કરી હતી. કૉંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા પર દસ્તાવેજ બહાર પાડયો છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, પાકિસ્તાનને બદલવા માટે મજબૂર કરવા ભારતે પણ બદલવું પડશે.
ભાજપના આ નેતાએ કૉંગ્રેસને એવો પણ સવાલ કર્યો હતો કે, શું આપણે જમ્મુ કાશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ કહીએ? પાકિસ્તાન ગમે તે કરે તો પણ શું તેની સાથે વાતચીત કરવી જોઈએ? કૉંગ્રેસ કેવું પરિવર્તન ઇચ્છે છે? જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે એવો પ્રસ્તાવ સંસદમાં પસાર થઈ ગયો હોવા છતાં ચિદમ્બરમે આવું નિવેદન શા માટે આપવું જોઈએ? શું ભારતે આતંકવાદીઓ સામેની કાર્યવાહી અટકાવી દેવી જોઈએ? એવો સવાલ પણ સંરક્ષણપ્રધાને કર્યો હતો. સંરક્ષણપ્રધાને જણાવ્યું હતું કે કૉંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં આતંકવાદીઓના સમર્થનમાં ઘણી વાતો કહી છે, જેમાં આસ્ફાને હટાવવાનો સમાવેશ થાય છે. ભારતીય સેનાના જવાનોને આ કાનૂનથી મદદ મળે છે અને કૉંગ્રેસ તેને હટાવવાની વાત કરે છે તો સૈન્ય કેવી રીતે કામ કરશે? લોકોએ કૉંગ્રેસની આ વાતોનું સમર્થન કર્યું નથી અને વિરોધ કર્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer