રાહુલ ગાંધી હવે વડા પ્રધાન અને દેશની પ્રજાની માફી માગે : ભાજપ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : રફાલ મામલામાં પોતાના નિવેદનને લઈને રાહુલ ગાંધીએ ખેદ વ્યક્ત કર્યો તે અંગે ભાજપે ફરીથી કૉંગ્રેસ પ્રમુખને ઘેરતાં એવો આક્ષેપ કર્યો હતો કે, સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામામાં ખેદ પ્રગટ કર્યો હોવા છતાં તેઓ ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ``ચોકીદાર ચોર હૈ'' ના નારાનું પુનરુચ્ચારણ કરી રહ્યા છે. સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની `રાજકીય સગવડ' માટે અદાલતમાં સોગંદનામું રજૂ કરીને ખેદ વ્યક્ત કર્યો છે.
ભાજપના નેતા અને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે આજે પાર્ટી મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોગંદનામામાં ખેદ વ્યક્ત કર્યાં પછી પણ કૉંગ્રેસ પ્રમુખ વારંવાર કહી રહ્યા છે કે ચોકીદાર ચોર છે હાલ આ કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને આવતી કાલે આ સોગંદનામા વિષેની સુનાવણીમાં અદાલત પોતાના વિચાર રજૂ કરી શકે છે.
સીતારમણે જણાવ્યું હતું કે જાહેર જીવનમાં રાહુલ ગાંધીની વિશ્વસનીયતા સામે હવે સવાલ ઊભો થઈ ગયો છે. તેમની વિશ્વસનીયતા સમાપ્ત થઈ ગઈ છે. જે વાત સુપ્રીમ કોર્ટે જ કહી નહોતી તેનો આધાર લઈને અસત્ય બોલીને તેમણે લોકોને ગુમરાહ કર્યા છે.
બીજી તરફ પક્ષના પ્રવક્તા જીવીએમ નરસિંહરાવે જણાવ્યું હતું કે રાહુલે માફી માગતા કૉંગ્રેસના કાર્યકર્તાઓ શરમજનક પરિસ્થિતિમાં મુકાયા છે. આવી સ્થિતિમાં કૉંગ્રેસ પ્રમુખે વડા પ્રધાન મોદી અને સમગ્ર દેશવાસીઓની જાહેરમાં માફી માગવી જોઈએ. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કોર્ટના તિરસ્કારની અરજી કરી હતી અને એ અરજી પર કોર્ટે રાહુલને નોટિસ આપી હતી અને 22 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો આદેશ બહાર પાડયો હતો.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer