પીયૂષ ગોયલનો રાહુલ ગાંધી પર પ્રહાર : જૂઠા આક્ષેપો પર જીએસટી નથી લાગતો

પીયૂષ ગોયલનો રાહુલ ગાંધી પર પ્રહાર : જૂઠા આક્ષેપો પર જીએસટી નથી લાગતો
વેપારીઓને `િફર એક બાર મોદી સરકાર'નો મંત્ર આપતાં રેલવેપ્રધાન
મુંબઈ, તા. 22 : દેશ ઇમાનદારીના રસ્તે ચાલી રહ્યો છે અને મોદી સરકાર જનતા અને જનસેવાનાં માધ્યમથી રાષ્ટ્રસેવાનાં કામમાં લાગેલી છે તેથી ફરી વાર ભાજપની મજબૂત સરકાર આવશે તો દેશ મજબૂત થશે, એમ ભૂલેશ્વરમાં `ચાય પે ચર્ચા' કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રના રેલવે અને કોલસા પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અને ભૂલેશ્વરના પૂર્વ નગરસેવક શરદ પેટીવાલા દ્વારા માધવ બાગમાં આયોજિત આ કાર્યક્રમમાં સી અને ડી વૉર્ડના વેપારી ઍસોસિયેશનોના પ્રતિનિધિઓ બહોળા પ્રમાણમાં હાજર હતા. 
જીએસટીના અમલ બાદ થોડો સમય કેન્દ્રના નાણાપ્રધાન રહેલા ગોયલે વેપારીઓની સમસ્યાઓ સાંભળીને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે જૂઠા આક્ષેપો પર જીએસટી નથી લાગતો. વેપારીઓને કોઇ સમસ્યા હોય તો સરકાર કાન દઇને વાત સાંભળે છે અને મોદી સરકાર હંમેશાં સમસ્યાનું સમાધાન કરે છે. જીએસટી સંબંધી સવાલોના જવાબમાં ગોયલે કહ્યું હતું કે હાલમાં ચૂંટણી આચારસંહિતા હોવાથી મર્યાદા છે, પરંતુ મોદી સરકાર વેપારીઓ માટે પેન્શન યોજના લાવવાનું ગંભીરતાથી વિચારી રહી છે, કેમ કે વેપારીઓ દેશના અર્થતંત્રને વેગીલું રાખે છે. 
રેલવેની વાત કરતાં ગોયલે કહ્યું હતું કે વડા પ્રધાને મુંબઈગરાઓની સમસ્યાઓને ધ્યાનમાં લઇને અત્યાર સુધીની કોઇ પણ સરકાર કરતાં સૌથી વધુ 75,000 કરોડ રૂપિયા મુંબઈના લોકલ ટ્રેન નેટવર્ક માટે ફાળવ્યા છે. વંદે ભારત એક્સ્પ્રેસ સ્વદેશી ટ્રેન છે અને રેલવે અકસ્માતોમાં જાનહાનિ ટાળવા આઇસીએફ ટેક્નૉલૉજીના ડબા બનાવવાનું બંધ કર્યું છે અને એલએચબી કોચનું નિર્માણ શરૂ કર્યું છે. 
વધુમાં ગોયલે કહ્યું હતું કે મોદી સરકારે સામાન્ય બજેટમાં જ રેલવેને સમાવી લઇને દેશમાંથી રેલવેના રાજકારણને અને પ્રાદેશિક અસમાનતાઓ દૂર કરી છે. બાયો ટોઇલેટની જગ્યાએ મોદી સરકાર હવે વેક્યુમ ટોઇલેટ લાવી રહી છે. 
દક્ષિણ મુંબઈના ભાજપ-શિવસેનાની યુતિના ઉમેદવાર અરવિંદ સાવંત પણ આ સભામાં આવ્યા હતા અને તેમણે મજબૂત સરકાર અને મજબૂત નેતા (મોદી) હોવાનું કહ્યું હતું. સાવંતે કહ્યું હતું કે મોદી સરકારના શપથથી લઇને છેલ્લા બજેટ સુધી લોકસભામાં સૌથી વધુ 98 ટકા હાજરી આપીને અને લોકસભામાં કોઇ પણ સંસદસભ્ય કરતાં સૌથી વધુ 287 ચર્ચામાં મેં ભાગ લીધો હોવાથી હું ટોપર સંસદસભ્ય છું. ફરીથી મને જિતાડીને મોદી સરકારને મજબૂતી આપવાનું તમારા હાથમાં છે. મને ખાતરી છે કે ફરીથી કેન્દ્રમાં મોદી સરકાર આવશે અને તમારું પ્રતિનિધિત્વ હું કરીશ. ગયા વખતે મને 1.28 લાખ મતોની સરસાઇથી જિતાડયો હતો અને આ વખતે તમે મને 2.56 લાખ મતોની સરસાઇથી જિતાડજો, એમ કહીને 56ના આંકડા પર સાવંતે ભાર મૂક્યો હતો.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer