અક્ષયકુમારે લીધો નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ

અક્ષયકુમારે લીધો નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ
`એવું કંઇક કરવા જઇ રહ્યો છું જે મેં પહેલા ક્યારેય નથી કર્યું...' 
એવી અભિનેતાની ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં દિવસભર ચાલી ચર્ચા
મુંબઈ, તા. 22 : અભિનેતા અક્ષય કુમારના એક ટવીટની ચર્ચા સોશિયલ મીડિયા પર દિવસભર ચાલી હતી. અક્કીએ ટવીટ કર્યું હતું કે હવે હું એક અજ્ઞાત અને અપરિચિત ક્ષેત્રમાં કદમ માંડી રહ્યો છું. એવું કંઇક કરવા જઇ રહ્યો છું જે મેં પહેલા ક્યારેય નથી કર્યું. આના કારણે હું ઉત્સાહિત અને નર્વસ બંને લાગણી અનુભવી રહ્યો છું. અપડેટ્સ માટે ટવીટ જોતા રહો... અક્ષયના આવા ટવીટ બાદ સોશિયલ મીડિયામાં એવી અટકળોને વેગ મળ્યો હતો કે અક્ષય કુમાર પણ કદાચ ભાજપના ઉમેદવાર બનીને લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. જોકે, અક્ષયે કરેલા બીજા ટવીટમાં આવી અટકળો પર પણ પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું, પરંતુ સસ્પેન્સ યથાવત્ રહ્યું હતું. બીજા ટવીટમાં અક્ષયે જણાવ્યું હતું કે મેં કરેલા પહેલા ટવીટમાં ઊંડો રસ લેનારાઓને ધન્યવાદ, પરંતુ દાવાનળની જેમ અટકળો ફેલાય એ પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે હું ચૂંટણી નથી લડવાનો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક જાણીતા અંગ્રેજી અખબાર માટે અક્ષય કુમારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લીધો છે અને અક્ષયે પહેલા ટવીટમાં આ ઇન્ટરવ્યૂ અંગે ઉલ્લેખ કર્યો છે કેમ કે મોદીએ પત્રકાર ન હોય એવી આ પહેલી વ્યક્તિ (અક્ષય કુમાર)ને ઇન્ટરવ્યૂ આપ્યો છે, તેથી અક્કીએ પોતે અજ્ઞાત દિશામાં કદમ માંડી રહ્યો હોવાનું જણાવ્યું છે.
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer