શ્રીલંકાને હચમચાવનારા વિસ્ફોટોમાં મૃત્યુઆંક 290

શ્રીલંકાને હચમચાવનારા વિસ્ફોટોમાં મૃત્યુઆંક 290
કોલંબોમાં વધુ એક વિસ્ફોટ: 87 બૉમ્બ ડિટોનેટર મળ્યા 
ઇમર્જન્સી લાગુ :  અત્યાર સુધીમાં 24ની ધરપકડ
કોલંબો, તા. 22: શ્રીલંકામાં અત્યારસુધીના સૌથી વિધ્વંશક સીરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 290એ પહોંચી છે. આ ઘટનામાં 450થી વધુ લોકોને ઈજા પહોંચી છે. તેવામાં સોમવારે પણ કોલંબોમાં એક ચર્ચ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો તેમજ શ્રીલંકાની પોલીસને કોલંબોનાં મુખ્ય બસ સ્ટેન્ડમાંથી 87 બોમ્બ ડેટોનેટર મળી આવ્યા હતા. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ સોમવારની મધરાત્રીથી પૂરા દેશમાં કટોકટી લાગુ કરવાનું એલાન કર્યું છે. બીજી તરફ સીરિયલ વિસ્ફોટની તપાસમાં અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ થઈ છે. સરકારના પ્રવક્તા રાજીથા સેનારત્નેએ સીરિયલ બ્લાસ્ટ માટે સ્થાનિક ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન નેશનલ તૌહિદ જમાતને જવાબદાર ઠેરવ્યું છે. 
શ્રીલંકાની પોલીસના કહેવા પ્રમાણે પેટ્ટા વિસ્તારમાં સેન્ટ્રલ કોલંબો બસ સ્ટેશનમાંથી બોમ્બ ડેટોનેટર મળી આવ્યા હતા. શરૂઆતમાં 12 ડેટોનેટર મળ્યા હતા પણ વધુ તપાસ કરતા 75 વધુ ડેટોનેટર મળી આવ્યા હતા. જેને લઈને સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ બન્યો હતો. સીરિયલ બ્લાસ્ટની ઘટના બાદ કોલંબો એરપોર્ટ પાસેથી પણ વધુ એક બોમ્બ મળી આવ્યો હતો જેને સમય રહેતા સુરક્ષા દળોએ ડિફ્યુઝ કર્યો હતો. શ્રીલંકાના સૌથી મોટા હુમલા બાદ અફવાથી બચવા માટે તકેદારીના ભાગરૂપે દેશમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ઉપરાંત સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું પણ એલાન કરી દેવામાં આવ્યું હતું. અધિકારીઓના કહેવા પ્રમાણે હુમલાની ઘટનામાં 7 આત્મઘાતી હુમલાખોર સામેલ હતા. જો કે હજી સુધી કોઈ સંગઠને તેની જવાબદારી લીધી નથી. 
ગૃહયુદ્ધ બાદ છેલ્લાં 10 વર્ષથી શાંત રહેનારું શ્રીલંકા રવિવારના શ્રેણીબદ્ધ વિસ્ફોટની ઘટનાથી ફરી હચમચી ઉઠયું હતું. જેમાં મોટાભાગના હુમલા કોલંબોમાં થયા હતા. 
શ્રીલંકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ તરફથી ઇમરજન્સી લાદવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ વિસ્ફોટની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિજિત માલલગોડા સામેલ છે. આ સમિતિને બે અઠવાડિયાની અંદર રીપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ હુમલા ઉપર ભારતની પણ નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને આતંકવાદી હુમલાને ક્રૂર અને સુનિયોજિત આતંકી હુમલો ગણાવ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાને દરેક સંભવ મદદ કરવાની તૈયારી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવી હતી. 
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer