દિલ્હીમાં હવે ત્રિપાંખિયો ચૂંટણીજંગ

દિલ્હીમાં હવે ત્રિપાંખિયો ચૂંટણીજંગ
આપ-કૉંગ્રેસ વચ્ચે ચૂંટણી જોડાણની અટકળ પર પૂર્ણવિરામ
કૉંગ્રેસનો શીલા દીક્ષિત અને અજય માકન પર મદાર
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : આપ અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન નહીં થતાં અને સોમવારે કૉંગ્રેસે તેના 6 ઉમેદવારોની જાહેરાત કરી દેતાં હવે દિલ્હીમાં લોકસભાનો ત્રિપાંખિયો ચૂંટણીજંગ જોવા મળશે.
દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત દિલ્હીની નોર્થ ઇસ્ટ લોકસભા બેઠક પરથી અને દિલ્હી કૉંગ્રેસના ભૂતપૂર્વ વડા અજય માકન નવી દિલ્હી ખાતેથી લોકસભાની ચૂંટણી લડશે એવી સોમવારે કૉંગ્રેસે જાહેરાત કરી હતી. હવે જ્યારે દિલ્હીમાં `આપ' અને કૉંગ્રેસ સામસામે ચૂંટણી લડશે ત્યારે હવે ભાજપ માટે આ જંગ આસાન બનશે, કારણ કે ભાજપવિરોધી મતોમાં ભંગાણ પડશે અને આમ દિલ્હીમાં હવે ત્રિકોણીયો ચૂંટણીજંગ ખેલાશે અને બહુમતી મતો આપ અને કૉંગ્રેસ વચ્ચે વહેંચાઈ જશે.
ભૂતપૂર્વ મુખય પ્રધાન શીલા દીક્ષિતને લોકસભાની ચૂંટણી લડાવીને કૉંગ્રેસ આપના મતો છીનવી લેવાનો પ્રયાસ કરશે અને આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે જીતવાની તકોને ઊજળી બનાવવાનો પ્રયાસ કરશે. આમ આદમી પાર્ટી સાથે સંભવિત ગઠબંધનની મહિનાઓ સુધી ચાલેલી અટકળોનો આ જાહેરાત સાથે અંત આવ્યો હતો. ઘણા સપ્તાહોથી બન્ને પક્ષો વચ્ચે ગઠબંધન માટેની વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ આપે દિલ્હી બહાર પણ ગઠબંધનની માગણી મૂકતા છેલ્લી ઘડીએ આ વાટાઘાટો પડી ભાંગી હતી.
દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં લોકસભાની 18 બેઠકો માટે જોડાણ નહીં કરવાનું આપે કૉંગ્રેસ પર દોષારોપણ કર્યું હતું. આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જોડાણ વિષે ચર્ચાના નામે કૉંગ્રેસે સમય વેડફયો હતો.
``હું અહીંથી (નોર્થ ઇસ્ટ દિલ્હી) અગાઉ ચૂંટણી લડી છું. હું લોકોને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે. અમે અહીંથી મેટ્રોનો પ્રારંભ કર્યો હતો. અમારી નામના લોકો માટે કામ કરવાની છે'' એમ શીલા દીક્ષિતે જણાવ્યું હતું. કૉંગ્રેસના દિલ્હી ખાતેના અન્ય ઉમેદવારો જે. પી. અગ્રવાલ (ચાંદની ચોક), અરવિન્દર સિંઘ લવલી (પૂર્વ દિલ્હી), મહાબલ મિશ્રા (પશ્ચિમ દિલ્હી) અને રાજેશ લિલોથિયા (ઉત્તર પશ્ચિમ દિલ્હી) છે. પક્ષે દક્ષિણ દિલ્હીની બેઠક માટે હજી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી.
આપે રવિવારે હરિયાણા માટે છ ઉમેદવારોની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, દિલ્હી માટેના તેના છ ઉમેદવારો સોમવારે ઉમેદવારીપત્રક ભરશે. ભાજપે પણ રવિવારે દિલ્હી માટેના તેના ચાર ઉમેદવારોની જાહેરાત કરી હતી. હર્ષવર્ધન ચાંદની ચોકથી, મનોજ તિવારી ઉત્તર પૂર્વ દિલ્હીથી, રમેશ બિધૂરી દક્ષિણ દિલ્હીથી અને પ્રવેશ વર્મા પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દિલ્હીની તમામ સાત બેઠકો પર વિજય મેળવ્યો હતો.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer