લોઅર પરેલ સ્ટેશન બહાર ધક્કામુક્કી : બે જણને ઈજા

મુંબઈ, તા. 23 : લોઅર પરેલ રેલવે સ્ટેશન બહાર ફરી એક વાર ભારે ધક્કામુક્કી થઈ છે. તેને લઈ બે જણને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે લગભગ સાત વાગ્યે અૉફિસ છૂટયા પછી ભારે સંખ્યામાં ઉતારુઓ રેલવે સ્ટેશન ભણી જઈ રહ્યા હતા.
લોઅર પરેલ સ્ટેશનનો બહારનો રેલવે બ્રિજ દુરસ્તી માટે છેલ્લા એક વર્ષથી બંધ છે. તેને લઈ ઉતારુઓને સાંકડા રસ્તા પરથી આવ-જા કરવી પડતી હોય છે.
આવી સ્થિતિમાં ગઈકાલે મુંબઈ મહાપાલિકાની ફેરિયાઓને હટાવવા માટે મોટી ટ્રક આવી હતી અને ઉતારુઓની હાલત કફોડી થઈ હતી. પાલિકા કર્મચારીઓથી બચવા માટે ફેરિયાઓએ દોડધામ શરૂ કરી દીધી હતી. તેમાં એક વડાપાંઉની ગાડી પર તેલની કઢાઈ પડી હતી જેમાં એક કન્યાના બંને પગ દાઝી ગયા હતા. આ ઉપરાંત એક મહિલા પણ દાઝી ગયાનું કહેવાય છે.
આ કમનસીબ બનાવ પછી રોષે ભરાયેલા ઉતારુઓએ પાલિકાના ડ્રાઈવરની મારપીટ કરી હતી તેમ જ ટ્રકની તોડફોડ કરી હતી. 
બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઉતારુઓ હવે બંધ પડેલા પુલનું કામકાજ તુરંત હાથ ધરવામાં આવે એવી જોરદાર માગણી કરી રહ્યા છે.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer