PM મોદીએ હિરાબાના આશીર્વાદ લીધા બાદ વોટ આપ્યો

PM મોદીએ હિરાબાના આશીર્વાદ લીધા બાદ વોટ આપ્યો
ગાંધીનગર/ અમદાવાદ, તા. 23 : લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. તેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર હાલ મતદાન યોજાઈ રહ્યું છે. વડા પ્રધાન મોદી મત આપવા માટે ગુજરાતમાં છે ત્યારે રાજભવનમાં રાત્રિરોકાણ બાદ આજે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાના ભાઈ પંકજના ઘરે કાફલા સાથે પહોંચી માતાના આશીર્વાદ લઈને અમદાવાદના રાણીપ  સ્થળે પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડા પ્રધાને નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.
પુત્ર નરેન્દ્રને માતા હિરાબાએ આશીર્વાદ આપીને શ્રીફળ અને ચાદર ભેટમાં આપ્યાં હતાં. ત્યારબાદ માતાના આશીર્વાદ લઈને સોસાયટીના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોસાયટીના કેટલાક લોકોએ મોદીના પગે પડીને આશીર્વાદ લીધા હતા. 
રાયસણથી કાફલો અમદાવાદના રાણીપમાં પહોંચ્યો હતો. જ્યાં તેઓ કારમાંથી ઊતરીને ખુલ્લી જીપમાં બેઠા હતા. સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ધીમી ગતિએ જીપ મતદાન મથક પહોંચી હતી. જીપમાંથી ઊતરીને મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ સુધી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા. 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer