મુંબઈમાં પાણીકાપ ટળ્યો

મુંબઈમાં પાણીકાપ ટળ્યો
મુંબઈ, તા. 23 : મુંબઈમાં ભવિષ્યમાં વધુ પાંચ ટકા સંભવિત પાણીકાપ લક્ષમાં લેતાં ભાતસા અને અપર વૈતરણા તળાવમાંનો અનામત પાણી સંગ્રહ જ મુંબઈગરાની તરસ છીપાવશે. અનામત પાણીસંગ્રહ વાપરવા માટે પાલિકાએ રજૂ કરેલો પ્રસ્તાવ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. તેને લઈ પાણીકાપની સંભવિત વધનારી ટકાવારી ટળવાની છે.
અનામત પાણીસંગ્રહ જૂનના અંતમાં વાપરવામાં આવશે. મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત તળાવોમાં જુલાઈ સુધી જ પૂરો પાડી શકે એટલો પાણીજથ્થો બાકી રહ્યો છે. તળાવોમાં સંતોષકારક વરસાદ પડયો નથી. તળાવમાં આ વર્ષે બે લાખ મિલિયન લિટર પાણી ઓછું છે. તેને લઈ પાલિકાએ 15 નવેમ્બર 2018થી મુંબઈમાં 10 ટકા પાણીકાપ લાગુ કર્યો છે. ભારે ઉનાળાને લઈ તળાવોમાંના પાણીના સ્તરની સપાટી પણ ઝડપથી ઘટતી જાય છે.
હાલનો પાણી પુરવઠો જુલાઈ સુધી જ પૂરતો હોવા છતાં મુંબઈમાં વધુ પાંચ ટકા પાણીકાપ થવાની શક્યતા હતી. તેને લઈ પાલિકાએ ભાતસા અને અપર વૈતરણા તળાવનો અનામત પાણીસંગ્રહ વાપરવાની પરવાનગી મળે તે માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. તેને રાજ્ય સરકારે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આવશ્યકતા પડી તો અનામત પાણીસંગ્રહ વાપરવાની શાસને પાલિકાને પરવાનગી આપી છે. તેને લઈ વધુ પાણીકાપની આવશ્યકતા રહેશે નહીં, પણ મુંબઈગરાને પાણી ખૂબ કરકસરથી વાપરવાનું આહ્વાહન પાલિકાએ કર્યું છે.
પાલિકાએ અપર વૈતરણામાંથી 70,000 મિલિયન લિટર અને ભાતસામાંથી એક લાખ મિલિયન લિટર અનામત પાણી મેળવવાની માગણી કરી છે. અનામત સ્ટોકને ધ્યાનમાં લઈએ તો શહેરની આ વર્ષની જુલાઈ સુધીની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ શકે છે.
હાલ પાલિકા મુંબઈને દરરોજ આશરે 3420 મિલિયન લિટર પાણીનો પુરવઠો કરે છે. ભાતસા તળાવ થાણે અને ભિવંડી જેવી નજીકની મહાપાલિકાઓને પણ પાણી પૂરું પાડતું હોવાથી પાલિકાએ રાજ્યની પરવાનગી લેવી જરૂરી છે.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer