મારુતિ કારના ભાવ વધારશે, ડિસ્કાઉન્ટ ઘટાડશે

મારુતિ કારના ભાવ વધારશે, ડિસ્કાઉન્ટ ઘટાડશે
નવી દિલ્હી, તા. 23 : મારુતિ સુઝુકીએ તેના મોડેલોમાં ડિસ્કાઉન્ટ આપવાનું ઓછું કર્યું છે. કંપની તેમની હેચબેક અલ્ટો અને સિડાન મોડેલ સ્વિફ્ટ ડીઝાયરમાં એપ્રિલમાં ડિસ્કાઉન્ટ રૂા.60,000થી ઘટાડીને રૂા.40,000 કર્યું છે. કંપની અૉગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં ડિસ્કાઉન્ટ વધુ ઘટાડે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર પછી ડિસ્કાઉન્ટ સંપૂર્ણ બંધ કરાય તેવી શક્યતા પણ છે.
મારુતિની કોમ્પેક્ટ એસયુવી બ્રેઝા અને પ્રિમિયમ હેચબેક સ્વિફ્ટમાં ડિસ્કાઉન્ટ અનુક્રમે રૂા.15,000થી રૂા.30,000 અને રૂા.35,000 ઘટાડયું છે. જાન્યુઆરીમાં મારુતિના અધ્યક્ષ આર સી ભાર્ગવે કહ્યું હતું કે, ગ્રાહકોએ ડિસ્કાઉન્ટની આદત પાડવી જોઈએ નહીં અને કંપનીએ પણ ડિસ્કાઉન્ટ નીતિની સમીક્ષા કરતાં રહેવું જોઈએ.
એક વખત ઉંચા ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કરશો તો ગ્રાહકો હંમેશાં ડિસ્કાઉન્ટની આશા રાખશે. બિઝનેસ  માટે ડિસ્કાઉન્ટ યોગ્ય માર્ગ નથી. લાંબા ગાળે કંપનીના વિકાસ જોખમાય છે. 
મારુતિ સામાન્ય રીતે નવા મોડેલમાં ડિસ્કાઉન્ટ આપતી નથી, પરંતુ ગયા વર્ષે અૉક્ટોબરથી ઓછું વેચાણને લીધે કંપનીએ આ આપવાનું શરૂ કર્યું હતું. તહેવારની સિઝન પણ મંદ જતાં અને ડીલર્સ પાસે વધુ સ્ટોક હોવાથી જાન્યુઆરીમાં પણ કંપનીએ ડિસ્કાઉન્ટ ચાલુ રાખ્યું હતું. 
ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીનું ચોખ્ખું વેચાણ વાર્ષિક ધોરણે 17.21 ટકા ઘટીને રૂા.1489 કરોડનું થયું હતું. સૂચિત ત્રિમાસિક ગાળામાં મારુતિએ પ્રતિ વાહનમાં સરેરાશ રૂા.24,300નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, જે સપ્ટેમ્બર ત્રિમાસિકના સરેરાશ રૂા.18,800ના ડિસ્કાઉન્ટ કરતાં વધુ હતું. મારુતિ સુઝુકીના સીએફઓ અજય શેઠે કહ્યું હતું કે,  વેચાણ વધારવા માટે ઉંચું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ડિસ્કાઉન્ટ સર્વોચ્ચ હતું. 
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer