તાડપત્રીની સિઝનના પ્રારંભે ઉપાડ સારો

તાડપત્રીની સિઝનના પ્રારંભે ઉપાડ સારો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : સ્થાનિક અને દેશાવરોની માગ સાથે તાડપત્રીની સિઝનની સારી શરૂઆત થઈ છે એમ તાર્પોલિન મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ પ્રકાશભાઈ ઠક્કરનું કહેવું છે.
સુતરાઉ કાપડ અને પ્લાસ્ટિકની તાડપત્રી પૈકી કાપડની સારી અને ટકાઉ કવૉલિટીનો ભાવ ગયા વર્ષ કરતાં 10 ટકા વધીને પ્રતિ ચો.મી. રૂા. 140-170 (વત્તા કર) ખૂલ્યો છે. તેથી તેનો વેપાર ગયા વર્ષ કરતાં 20 ટકા ઘટયો છે. જ્યારે દેખાવમાં આકર્ષક રંગીન, વજનમાં હલકી, ટકાઉ અને પ્રમાણમાં સસ્તી એવી હાઈડેન્સિટી પોલિયિલીન (એચડીપીઈ) તાડપત્રીનો પ્રતિ ચો.ફૂટનો ભાવ રૂા. 3-7 ખૂલ્યો છે.
પ્લાસ્ટિક્સના દાણામાંથી બનતી વૉટરપ્રૂફ તાડપત્રીના ભાવ ગયા વર્ષના સ્તરે ટકેલા રહ્યા છે. તાડપત્રીની સિઝન 15 માર્ચથી ખૂલી જાય છે. ચોમાસાની સિઝન પહેલાં વેપારીઓ માલનો સ્ટૉક કરી રહ્યા હોવાથી માગ 
સારી છે અને ભાવ ગયા વર્ષના સ્તરે ટકી રહ્યા છે.
અમદાવાદથી આવતી, વજન, માપ અને ગુણવત્તાની દૃષ્ટિએ ઊતરતી કક્ષાની રિપ્રોસેસ થયેલા માલમાંથી બનેલી પ્લાસ્ટિકની તાડપત્રી મુંબઈની ફૂટપાથ પર ધમધોકાર વેચાઈ રહી છે. સુતરાઉ કાપડની સરખામણીમાં એચડીપીઈ તાડપત્રી દેખાવમાં આકર્ષક અને સસ્તી હોવાથી તેનો વપરાશ વધુ રહ્યો છે. આમ છતાં કૉટનની તાડપત્રીનો વપરાશ કરનારાઓ તે માટે આગ્રહ રાખે છે એમ વડગાદી બજારનાં સૂત્રોનું કહેવું છે. તાડપત્રીની માગમાં કૃષિ, પરિવહન, કેટરિંગ અને વેરહાઉસિંગ ઉદ્યોગોનો મોટો હિસ્સો  રહ્યો છે.
મુંબઈની તાડપત્રીની માગ કેરળ, કર્ણાટક, પ.બંગાળ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં હોય છે.
ફૂગ પ્રતિરોધક એચડીપીઈમાં 24x18 ફૂટમાં 125 જીએસએમથી લઈને 250 જીએસએમનો ફેકટરી ભાવ રૂા. 1555-રૂા. 3110 છે.
આગામી સમયમાં ભાવ જળવાઈ રહેવાની શક્યતા વેપારી સૂત્રોએ જણાવી છે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer