અૉટોમોબાઈલ્સ પાછળ સેન્સેક્ષમાં 80 પૉઈન્ટનું ગાબડું

અૉટોમોબાઈલ્સ પાછળ સેન્સેક્ષમાં 80 પૉઈન્ટનું ગાબડું
આઈટી - ફાર્મામાં મજબૂતી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી અને યુરોપ સામે ડયૂટી લાદવાની અમેરિકાની ચેતવણીને પગલે એશિયાનાં બજારોમાં આજે સાવધાનીભરી સ્થિરતા જોવાઈ હતી. સ્થાનિક બજારમાં ગઈકાલનો ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. મુખ્યત્વે વાહન શૅરોમાં આવેલા કડાકાને લીધે એનએસઈ ખાતે નિફટી 18 પૉઈન્ટ ઘટીને 11576 બંધ હતો. નોંધપાત્ર રીતે વીઆઈએક્સ (વોલેટાલિટી) ઈન્ડેક્સ 2.3 ટકા ઊંચે નોંધાયો હતો. નિફટી શરૂઆતમાં 11613 ખૂલીને 11646ની ટોચથી વેચવાલીને લીધે ઘટીને 11565 સુધી ઘટયો હતો. જ્યારે બીએસઈ ખાતે સેન્સેક્ષ 80 પૉઈન્ટ ઘટાડે 38565 બંધ રહ્યો હતો. બજારના કરેકશનમાં મિડકેપ ઈન્ડેક્સ 0.03 ટકાના મામૂલી સુધારે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા ઘટીને બંધ હતો. નિફટીના 30 અગ્રણી શૅરના ઘટાડા સામે 20 શૅર સુધરીને બંધ રહ્યા હતા.
આજે ચોથા સેશનમાં બજારનો ઘટાડો આગળ વધતા હવે એકાદ પ્રત્યાઘાતી ઉછાળાની સંભાવના નકારી શકાય નહીં. આજના ઘટાડામાં મુખ્યત્વે મારુતિ સુઝુકી રૂા. 273 તૂટયો હતો. હીરો મોટર્સ રૂા. 52, બજાજ અૉટો રૂા. 12 ઘટયા હતા. બૅન્કિંગ ક્ષેત્રે ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 40, યસ બૅન્ક રૂા. 6, એસબીઆઈ રૂા. 5, બ્રિટાનિયા રૂા. 9, એચડીએફસી બૅન્ક રૂા. 24, ટિસ્કો રૂા. 11, એશિયન પેઈન્ટ રૂા. 12 અને ટીસીએસ રૂા. 7 ઘટયા હતા. જ્યારે ગેઈલ રૂા. 5 અને બીપીસીએલ રૂા. 3 ઘટયા હતા. વ્યક્તિગત શૅરમાં એવન્યુ સુપર માર્કેટ 2.75 ટકા ઘટીને રૂા. 1289 કવોટ થયો હતો. જ્યારે હેગ લિમિટેડ વર્ષના તળિયે (4 ટકા ઘટીને) રૂા. 1839 નોંધાયો હતો.
આજે સામા પ્રવાહે સુધરનાર શૅરમાં ઓએનજીસી રૂા. 6, ઝી રૂા. 13, બજાજ ફિનસર્વ રૂા. 44, ડૉ. રેડ્ડીસ રૂા. 26, સનફાર્મા રૂા. 14, ઈન્ડિયાબુલ્સ રૂા. 10, રિલાયન્સ રૂા. 19 અને ઈન્ફોસીસમાં રૂા. 7 વધ્યા હતા.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે નિફટી 14 પિરિયડ (સેશન)ના તળિયે આવ્યો છે. ચાલુ અઠવાડિયે એફઍન્ડઓ એક્સપાયરી હોવાથી બજારમાં અફરાતફરી રહેવાની સંભાવના વધી છે. જેથી ટ્રેડરોએ સ્ટોક સ્પેસિફિક સ્ટોપલોસ સાથે ધંધો ગોઠવવો હિતાવહ રહેશે.
એશિયાનાં બજાર
ક્રૂડતેલના વધતા ભાવને લીધે એશિયાનાં મુખ્ય બજારોમાં સાવધાની વર્તાતી હતી. હૉંગકૉંગ ખાતે હૅંગસૅંગ સ્થિર હતો, જ્યારે શાંઘાઈ ઈન્ડેક્સ 16 પૉઈન્ટ ઘટાડે બંધ હતો, જ્યારે નિક્કીમાં 42 પૉઈન્ટનો ધીમો સુધારો જોવાયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer