પાંચ લાખ ગાંસડીની નિકાસ ડિલિવરી ડિફોલ્ટ થવાની શક્યતા

પાંચ લાખ ગાંસડીની નિકાસ ડિલિવરી ડિફોલ્ટ થવાની શક્યતા
ચીન ભારતને બાજુએ રાખી બ્રાઝિલથી આયાત કરે છે

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 23 : રૂમાં અમે સારી એવી તેજી જોઈ રહ્યા છીએ, જે હજુ હમણાં જ શરૂ થઈ છે, આ આગાહી એક ભારતીય નિકાસકારે કરી હતી. ગત સપ્તાહે ચીને તેનો આયાત ક્વોટા જાહેર કરીને જાગતિક બજારમાં તેજીનું ઉંબાડિયું કર્યું હતું. ટૂંકાગાળામાં રૂ વાયદાનું તાર્કિક રેસિસ્ટન્સ લેવલ 80 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) છે. આ સ્તરેથી 83-84 સેન્ટની ટેકનિકલ તેજીનો આરંભ થઇ શકે છે. 9 એપ્રિલે 79.31 સેન્ટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી, જે ડિસેમ્બર પછી પહેલી વખત જોવાઈ હતી. સતત સાત સપ્તાહ સુધી તેજી જોયા પછી ગત સપ્તાહે 0.2 ટકાના મામૂલી ઘટાડે શુક્રવારે આઈસીઈ અમેરિકન રૂ ફ્રંટ-મંથ રોકડો વાયદો 78.11 સેન્ટ મુકાયો હતો.  
આ ભારતીય નિકાસકારે કહ્યું હતું કે 2018-19ની મોસમમાં ભારતીય બજારમાં પણ રૂના ભાવ કિલોદીઠ રૂા. 127થી 130ની વચ્ચે રહેવા જોઈએ. નબળો રૂપિયો, સ્થાનિક અને વિદેશી બજારમાં વધતી રૂની માગ, ભાવને ઉંચે રાખવામાં મદદ કરશે. ભારતીય નિકાસકારોએ મોટા નફાની લાલચમાં અગાઉ નીચા ભાવે સોદા કરી નાખ્યા હતા તેવા નિકાસકારો, હવે ભારતમાં ભાવ ઉંચે જતાં અંદાજે પાંચ લાખ ગાંસડી રૂ નિકાસ ડિલિવરી ડિફોલ્ટ થવાની શક્યતા વધી ગઈ છે. આમ પણ નિકાસ બજારમાં ભારતીય રૂ હવે સ્પર્ધાત્મક નથી રહ્યું. ચીન જે ભારતનો સૌથી મોટો આયાતકાર દેશ હતો તે હવે સસ્તા વિકલ્પ તરીકે બ્રાઝિલથી આયાતકાર બન્યો છે. 
ઇન્ડિયન કૉટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના તાજા અનુમાન પ્રમાણે, ભારતમાં રૂ ઉત્પાદન ગતવર્ષના 365 લાખ ગાંસડીથી 12 ટકા ઘટીને 321 લાખ ગાંસડી રહેશે. સતત વધી રહેલા ભાવને લીધે ભારતીય નિકાસ, આ વર્ષે વધુ મુશ્કેલીમાં મુકાવાની શક્યતા છે. આગેવાન નિકાસકાર અરુણ સેક્સરિયા કહે છે કે અત્યાર સુધી આપણે 40 લાખ ગાંસડી રૂ નિકાસ કરી ચૂક્યાનો અંદાજ છે. એક તરફ ભાવ વધી રહ્યા છે, બીજી તરફ બ્રાઝિલ કરન્સી રીલ નબળો પાડવાથી અને રૂપિયો ડૉલર સામે મજબૂત થતો હોઈ નિકાસમાં જાજો નફો નથી છૂટતો. 28 ફેબ્રુઆરીએ રૂપિયો 70.75 હતો તે 2.27 ટકા મજબૂત થઈને હવે રૂા. 69.20 બોલાય છે. આ ગાળામાં બ્રાઝિલ કરન્સી 3.88 ટકા નબળી પડી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer