એવેન્જર્સ ઍન્ડગેમ રિલીઝ થાય એ પહેલાં રેકર્ડ કર્યો

દર સેકન્ડે 18 ટિકિટ વેચાય છે

10 લાખ ટિકિટો વેચાઈ ગઈ, મળસ્કે 3.30 વાગ્યાનો પણ શો

મુંબઈ, તા. 23 : પ્રત્યેક સેકેન્ડે 18 ટિકિટોનું અૉનલાઈન બુકિંગ, 24 કલાકમાં 10 લાખ કરતા વધુ ટિકિટોનું વેચાણ, શુક્ર-શનિ-રવિ ત્રણ સળંગ દિવસના બધા જ શૉ હાઉસફૂલ, એક થિયેટરમાં સવારે 3.30 વાગ્યાનો શો જેવા `માર્વેલ' વિક્રમ નોંધાવી રહી છે ફિલ્મ `એવેન્જર્સ એન્ડગેમ'. વિશ્વના સુપરહિરો પ્રેમીઓ આતુરતાથી જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા તે આવતા શુક્રવારે ભારતમાં રિલીઝ થવાની છે અને ફિલ્મના ઍડવાન્સ બુકિંગે એક નવો જ વિક્રમ સર્જ્યો છે. 
પીવીઆર, આયનોક્સ, સિનેપોલીસ, કાર્નિવલ, મિરાજ અને ગોલ્ડ આ બધા જ મલ્ટિપ્લેક્સમાં દરેક શો હાઉસફુલ છે. વડાલા આયમેક્સમાં શુક્રવારે પરોઢે 3.30 વાગે અને અન્ય થિયેટરોમાં સવારે 6.30 વાગે આ ફિલ્મના શો છે. ટિકિટોના દર 300 રૂપિયાથી 1,500 રૂપિયા સુધી છે. આ સંદર્ભમાં કાર્નિવલ સિનેમાના પ્રોગ્રામિંગ ઉપાધ્યક્ષ રાહુલ કડબેટે કહ્યું હતું કે, અત્યાર સુધી બે લાખ કરતા વધુ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. આ ફિલ્મના પ્રત્યેક દિવસ 1000 કરતા વધુ શો દેખાડવામાં આવશે. 
`એવેન્જર્સ એન્ડગેમ' ની ટિકિટ સૌથી વધુ મુંબઈ અને દિલ્હીમાં બુક થઈ છે. ત્રણ દિવસમાં ફિલ્મ બૉક્સઅૉફિસ પર 160 કરોડનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. 
માર્વેલ સ્ટુડિયોએ સુપરહિરોની એક પછી એક સુપરહિટ ફિલ્મ આપી છે. માર્વેલની પ્રત્યેક સુપરહિરો ફિલ્મે પ્રેક્ષકોને પોતાની તરફ આર્કષ્યા છે. 2012 માં `ધ એવેન્જર્સ' ચિત્રપટ રિલીઝ થયું હતું. 2015 માં `એવેન્જર્સ ઍજ અૉફ અલ્ટ્રોન' રિલીઝ થયું હતું. ગત વર્ષે `એવેન્જર્સ : ઈન્ફિનિટી વૉર' એ પ્રેક્ષકોની વધુ ચાહના મેળવી હતી. શુક્રવારે રિલીઝ થનાર ફિલ્મ `એવેર્ન્જસ એન્ડગેમ' `બાહુબલી 2' અને `એવેન્જર્સ : ઈન્ફિનિટી વૉર' કરતા પણ વધુ કમાઈ કરશે તેવી આશા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer