મતદાન માટે મુંબઈ છે તૈયાર...

વોટિંગ માટે કોઈકે વીકએન્ડ પ્લાન રદ કર્યા તો કોઈકે લગ્ન પાછાં ઠેલવ્યાં

મુંબઈ, તા. 23 : 29 એપ્રિલે મહારાષ્ટ્રનો ચોથા અને છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે. તે માટે શહેરના લોકોએ જાગૃત થઈને મતદાન કરવાની તૈયારી દાખવી છે. મુંબઈમાં મતદાન દરમિયાન સળંગ રજાઓ આવતી હોવાથી લોકોએ બહારગામ જવાની યોજના બનાવી હતી, પરંતુ મતદાનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને અનેક લોકોએ પોતાની યોજનાઓમાં ફેરફાર કર્યો છે. કેટલાક લોકોએ લગ્ન પાછાં ઠેલવ્યાં હતાં તો કેટલાકે બહારગામ ફરવા જવાનું રદ કર્યું છે. 
મુંબઈમાં રહેતી 23 વર્ષીય પ્રિયંકા ઈડુલાનાં લગ્ન કર્ણાટકની બાજુમાં આવેલા રાયચુર ગામમાં રવિ સવાના સાથે 28 એપ્રિલનાં લગ્ન અને 29 એપ્રિલનું રિસેપ્શન હતું, પણ ચૂંટણીને કારણે લગ્ન પાછાં ઠેલવીને સાત મેના રોજ નક્કી કરાયાં છે. વધૂના એક સંબંધીએ કહ્યું હતું કે, કુટુંબે સંબંધીઓને રાયચુર લગ્નમાં લઈ જવા 200 જણની ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ અનેક સંબંધીઓએ પ્રિયંકાની માતાને ફોન કરીને કહ્યું હતું કે તેઓ લગ્નમાં નહીં આવી શકે. સ્થાનિક નગરસેવક મેહર મોહસિન હૈદરે રૅલી દરમિયાન ઈડુલા કુટુંબને વિનંતી કરી હતી કે લગ્નની તારીખ બદલે. પ્રિયંકાના ખેડૂત પિતાનું ત્રણ મહિના પહેલા અવસાન અને હવે લગ્નની તારીખ બદલવાની વાત કરતા ઘરના મોભીઓ ચિંતામાં આવી ગયા હતા.લગ્નનું બીજું કોઈ મુહૂર્ત ન આવતું હોવાથી આ વર્ષે લગ્ન કરવા પણ જરૂરી હતા. એટલે બધી જ સગવડતાને ધ્યાનમાં રાખીને પછી સાત મેના લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. જૂની ટિકિટો મુજબ સંબંધીઓ સગાઈ માટે 26 એપ્રિલે મુંબઈથી રાયચુર જશે અને 28 સુધી પરત આવશે. 29 એપ્રિલે વોટ કર્યા બાદ સાત મેના લગ્નમાં જશે. અ બધા ફેરફારમાં લગ્નના હૉલનું ભાડું, જૂની ટિકિટો રદ કરાવવાના અને નવી ટિકિટો બુક કરાવવામાં ઈડુલા પરિવારને ઘણું આર્થિક નુકસાન થયું છે. 
કાર ડિલર ફુરકાન શેખે પરિવાર સાથેની મહાબળેશ્વરની ટ્રીપ પાછી ઠેલવી હતી. વેકેશન પૅકેજ કૅન્સલ કરાવતા તેને લગભગ 25 ટકાનુ નુકસાન થયુ છે. વૈશાલી નગરના એક રહેવાસીએ પણ પરિવાર સાથેની જયપુર ફેમેલી ગેટ-ટુ-ગેધરમાં જવાનું ટાળ્યું હતું. જેથી મતદાનને મહત્ત્વ આપી શકાય. આજના સમયમાં લોકો મતદાનને કેટલું મહત્ત્વ આપે છે તે આ બધા કિસ્સાઓ પરથી ખબર પડે જ છે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer