બિલ્કીસ બાનોને 50 લાખ, ઘર-નોકરી આપો : સુપ્રીમ કોર્ટ

ગોધરાકાંડ બાદની ચર્ચાસ્પદ ઘટનામાં ગુજરાત સરકારને આદેશ

અમદાવાદ, તા.23: ગુજરાતમાં 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ પર થયેલા ગેંગ રેપને લઇને સુપ્રીમ કોર્ટે મહત્ત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને રૂ.50 લાખનું વળતર ચૂકવવા, સરકારી નોકરી અને ઘર આપવા આદેશ આપ્યે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરાકાંડ બાદ 3જી માર્ચે 2002માં રણધીકપુર ગામમાં બિલ્કીસ બાનોના પરિવાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો તે સમયે 19 વર્ષની બિલ્કીસ બાનુ પાંચ મહિનાની ગર્ભવતી હતી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હિંસક ટોળાએ બિલ્કીસના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં 3 દિવસનું બાળક પણ હતું. સુપ્રીમ કોર્ટે આ કેસ 2004માં મુંબઈમાં ટ્રાન્સફર કર્યો હતો.
2002ના બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ મામલે તપાસમાં છેડછાડ મામલે હાઇકોર્ટ દ્વારા દોષી ઠેરવવામાં આવેલ છ કર્મીઓ વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. કોર્ટે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યો હતો કે 2002ના બિલ્કીસ બાનુ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા અધિકારીઓ વિરુદ્ધ બે અઠવાડિયામાં અનુશાસનાત્મક કાર્યવાહી પૂરી કરવામાં આવે.
બિલ્કીસ બાનુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું હતું કે આ કેસમાં તેને વધુ વળતર આપવામાં આવે સાથે જ કહેવામાં આવ્યું તું કે જે ચાર પોલીસકર્મીઓ અને બે ડોક્ટરોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, તેમની જાણકારી અનુસાર તેઓને ફરીથી નોકરીમાં રાખી લેવામાં આવ્યા છે. કોર્ટે ગુજરાત સરકારને જવાબ આપવાની સાથે બિલ્કીસ બાનુને કહ્યું હતું કે તે વળતર માટે અલગથી અરજી કરે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer