હીરાના વેપારી સાથે 77.13 લાખની છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ

મુંબઈ, તા. 22 : હીરાના વેપારી સાથે 77.13 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર અન્ય એક હીરાના વેપારીની દહિસર પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. હીરાના વેપારી સાથે છેતરપિંડી કરનાર 44 વર્ષીય આરોપી પંકજ શાહની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે. 
ફરિયાદી દિઘેશ કોટિયા 2008થી દહિસર ઈસ્ટમાં હીરા પોલિશિંગનું કારખાનું ચલાવે છે. તેઓ સુરતથી હીરા ખરીદી કરે અને એને પોલિશ કરીને મલાડ અને બીકેસીના હીરા બજારમાં વેચે છે. દિઘેશ કોટિયા પંકજ શાહને છેલ્લા એક વર્ષથી ઓળખતા હતા. નવેમ્બર 2018માં કોટિયાએ 39.86 કૅરેટના હીરા પંકજ શાહને આપ્યા હતા અને તેણે વાયદા મુજબ હીરા વેચાયા બાદ 10.25 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યાર બાદ 11.12 કૅરેટના હીરા પંકજને આપવામાં આવ્યા હતા. આ રીતે બન્ને વચ્ચે 42.79 લાખ રૂપિયાની કિંમતના 133.66 કૅરેટ હીરાના સાત ટ્રાન્ઝેક્શન થયા હતા. તેમાંથી પંકજ શાહે ફક્ત બે જ સોદાના પૈસા ચૂકવ્યા હતા. પછી દિઘેશ કોટિયાએ પંકજ શાહના સાથી કાંતિભાઈ પડસાલાને 34.33 લાખ રૂપિયાની કિંમતના 89.45 કૅરેટ હીરા આપ્યા હતા. પંકજ અને પડસાલાએ તેના પૈસા ચૂકવ્યા નહોતા. જ્યારે પણ તેમને પૈસા ચૂકવવાનું કહેવામાં આવતું તો તેઓ હંમેશાં બહાના કાઢતા. પછી કોટિયાને ખબર પડી હતી કે બન્નેનું સરનામું પણ બનાવટી હતું. એટલે કોટિયાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી પંકજ શાહની ધરપકડ કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer