ગર્ભલિંગ પરીક્ષણ કાયદાનું ઉલ્લંઘન

60 ડૉક્ટર સામે કાર્યવાહી થશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : રાજ્યમાં વધતી ભ્રૂણહત્યા રોકવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવતા લિંગ પરીક્ષણ  કાયદાનો ભંગ કરનારા રાજ્યનાં 60 ડૉક્ટરો પર મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી) કાર્યવાહી કરી રહ્યું છે. 
એમએમસી પાસે ડૉક્ટરો વિરુદ્ધ અનેક ફરિયાદો આવે છે. બધી ફરિયાદોમાં તથ્ય ન હોય તો પણ બન્ને પક્ષની બાજુ સાંભળ્યા બાદ નિર્ણય આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તબીબી બેદરકારીને કારણે દર્દીને થયેલું નુકસાન, શારીરિક કે આર્થિક સ્તરે સહન કરવો પડતો ત્રાસ વગેરેના વિરોધમાં દર્દીઓ ન્યાયની માગણી કરે છે. 
લિંગ પરીક્ષણ કાયદાનો બરાબર 
અમલ ન થતો હોવાથી તેના વિરોધમાં આવેલી ફરિયાદ ખાસ વર્ગમાં નોંધવામાં આવે છે. આ પ્રકારની ફરિયાદોની 
નોંધ એમએમસીમાં પણ કરવામાં આવે છે. કાયદાનું પાલન ન કરનારા અને લિંગ પરીક્ષણ કરનારા ડૉક્ટરો વિરુદ્ધ પણ અહીં ફરિયાદ નોંધવામાં આવે છે. 
રાજ્યનાં 60 ડૉક્ટરો પર આ કાયદાનું પાલન ન કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું એમએમસીના અધ્યક્ષ ડૉક્ટર શિવકુમાર ઉત્તુરે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ડૉક્ટરોએ નિયમનો ભંગ કેટલી તીવ્રતાથી કર્યો છે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. કેટલીક બાબતોનો નિકાલ કોર્ટમાં થશે. કોર્ટમાં શિક્ષા થયા બાદ સંબંધિત ડૉક્ટરનું લાઈસન્સ રદ કરવાનો નિર્ણય એમએમસી દ્વારા લેવામાં આવે છે. રાજ્યમાં પીસીપીએનડી કાયદાનું ઉલ્લંધન કરવાના પ્રકરણે કરવામાં આવતી કાર્યવાહીમાં પ્રથમ તબક્કામાં પૂર્વ સૂચના આપવી, બે વર્ષ માટે લાઈસન્સ રદ કરવામાં આવે છે. જ્યારે સખત કાર્યવાહીમાં હંમેશા માટે લાઈસન્સ સસપેન્ડ કરવામાં આવે છે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer