આઈએસએ લીધી શ્રીલંકામાં ધડાકાની જવાબદારી

પ્રાથમિક તપાસનો ઉલ્લેખ કરી મંત્રીએ કહ્યું : એ ન્યૂ ઝીલૅન્ડના હુમલાનો હતો જવાબ : મૃતકાંક 300

નવી દિલ્હી/કોલંબો, તા. 23 : શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ હુમલા મામલે તપાસમાં નવી વાત બહાર આવી છે. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, બોમ્બ ધડાકો ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયેલા હુમલાનો એ જવાબ હતો. જો કે મોડેથી રોઈટર સમાચાર એજન્સી દ્વારા એવા હેવાલ મળ્યા હતા કે આતંકવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.
પડોશી દેશ શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસએ લીધી હોવાનું રોઈટર સમાચાર સંસ્થાએ `અમાક સમાચાર સંસ્થા'ના હેવાલને ટાંકીને જણાવ્યું હતું. દરમ્યાન આ હુમલાના મૃતકોની સંખ્યા સતત વધતી રહી છે. આજે આ સંખ્યા 300થી વધી ગઈ હતી. ધડાકામાં મૃત્યુ પામનારાઓમાં દશ ભારતીય પણ સામેલ છે. શ્રીલંકામાં આજે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં મૃતકોને અંજલિ અપાશે.
દરમ્યાન શ્રીલંકાના નાયબ સંરક્ષણ મંત્રીએ મંગળવારે એવું કહ્યું હતું કે, આ હુમલો ક્રાઈસ્ટચર્ચ હુમલાનો જવાબ હતો.
રાજ્યમંત્રી વિજેયારે સંસદમાં જણાવ્યું કે, `સંસદીય તપાસમાં આ ખુલાસો થયો છે કે જે (શ્રેણીબદ્ધ આઠ ધડાકા)  ધડાકા રવિવારે શ્રીલંકામાં થયા તે ક્રાઈસ્ટ ચર્ચમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો બદલો હતો. નોંધનીય છે કે 15મી માર્ચના ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા ગોળીબારમાં 50 લોકોનાં મોત થયાં હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer