પ્રજ્ઞાસિંહ સામેની અરજીની વધુ સુનાવણી હવે આજે થશે

પ્રજ્ઞાસિંહ સામેની અરજીની વધુ સુનાવણી હવે આજે થશે
ઉમેદવારી રદ કરાવવાની અરજીને કાઢી નાખવાની સાધ્વીએ કોર્ટને વિનંતી કરી

મુંબઈ, તા. 23 (પીટીઆઇ) : વર્ષ 2008ના માલેગાંવ બૉમ્બ વિસ્ફોટ કેસના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પર ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડતા અટકાવવાની માગણી કરતી અરજી રદ કરવાની માગણી સાધ્વી તરફથી આજે એનઆઇએ કોર્ટમાં કરાઇ હતી. 
જોકે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ આ મુદ્દાથી અંતર જાળવી રાખ્યું છે, પરંતુ પોતાના વકીલ મારફત સાધ્વીએ એનઆઇએ કોર્ટના સ્પેશિયલ જજ વીએસ પાડલકર સમક્ષ કરેલી અપીલમાં જણાવ્યું હતું કે મારા વિરુદ્ધ થયેલી અરજી ખોટી અને રાજકીય એજન્ડાના ભાગરૂપે છે.
વિસ્ફોટમાં પુત્ર ગુમાવનારા માલેગાંવના એક રહેવાસીએ સાધ્વીને ચૂંટણી લડતા અટકાવવાની માગણી કરતી અરજી ગયા અઠવાડિયે કરી હતી. આ અરજીના જવાબમાં સાધ્વી તરફથી જણાવાયું હતું કે અરજીકર્તાએ સસ્તી પ્રસિદ્ધિ અને ચોક્કસ રાજકીય એજન્ડાના ભાગરૂપે બદઇરાદાથી આ કોર્ટમાં મારી વિરુદ્ધ આ ખોટી અરજી કરી છે. આ અરજીકર્તા માત્ર કોર્ટનો સમય બરબાદ નથી કરી રહ્યા, પરંતુ કોર્ટની માન-મર્યાદા ઘટાડીને કારણ વગર કોર્ટને વિવાદમાં ઘસેડવા માગે છે. 
જોકે તપાસ એજન્સીએ આ મુદ્દાથી અંતર જાળવતાં જણાવ્યું હતું કે આ મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. આ મુદ્દે ચૂંટણી પંચ પોતાનો અભિપ્રાય આપી શકે. જોકે એનઆઇએ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે આની સામેની એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં પણ કરાયેલી છે. એનઆઇએ જજે આ અરજીની વધુ સુનાવણી બુધવારે કરવાનું ઠેરવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer