શરદ પવારને ઇવીએમના ગોટાળાનો ડર સતાવે છે

શરદ પવારને ઇવીએમના ગોટાળાનો ડર સતાવે છે
મુંબઈ, તા.23 : નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને જાકારો મળે એવી જનભાવના દેશભરમાં છે, પરંતુ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશિન (ઇવીએમ) સાથે ચેડાં એ આ ચૂંટણીમાં મુખ્ય ચિંતાનો વિષય છે એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે આજે જણાવ્યું હતું. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને પવારે આજે ભાજપ વિરોધી સંયૂક્ત મોરચાની પત્રકાર પરિષદ બોલાવી હતી તેમાં ઇવીએમ સિસ્ટમ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પવારે કહ્યું હતું કે મેં કેટલાય મત વિસ્તારોની મુલાકાત લીધી છે અને જોયું છે કે લોકો સરકારના વિરોધમાં છે, પરંતુ ઇવીએમ હૅક કરીને ચૂંટણીનાં પરિણામો ફેરવી શકાય છે એવો મારો મત અડગ છે. એ આ ચૂંટણીમાં મુખ્ય ચિંતાનો વિષય છે.
તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ નાયડુએ કહ્યું હતું કે ઇવીએમ કોઇ સ્તરે ફુલપ્રૂફ સિસ્ટમ નથી. રશિયાના હૅકરો કરોડો રૂપિયા લઇને ઇવીએમ હૅક કરે છે, એનો દાવો પણ નાયડુએ કર્યો હતો. નાયડુએ કહ્યું હતું કે મારી પાસે આના પૂરાવા નથી છતાં મોટી રકમ ચૂકવવાની તૈયારી હોય તો હૅકરો વિજયની ખાતરી આપતા હોવાની ચર્ચા છે. બંને નેતાઓએ દેશમાં ઇવીએમના બદલે પરંપરાગત મતપત્રકોથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી.

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer